19 March, 2025 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મુંબઈમાં પોલીસ પોર્ટલ પર ભાડુઆતોની જાણ ન કરવા બદલ બે માલિકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. કુર્લા અને દાદર વિસ્તારમાં આ બંને માલિકોએ પોલીસની વેબસાઇટ પર ભાડુઆતોની માહિતી અપલોડ કરી ન હોવાને કારણે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. BNSની કલમ 223 (લોક સેવકના આદેશના ઉલ્લંઘન) હેઠળ આરોપ નોંધાયો છે, જે અંતર્ગત એક વર્ષની જેલની સજા થઈ શકે છે. આ પગલું શહેરભરમાં ચાલી રહેલી અનરજિસ્ટર્ડ ભાડુઆતોને (Unregistered Tenants) માટે થઈ રહેલી ઝુંબેશનો એક ભાગ છે.
પોલીસ કમિશનરનો આદેશ
Mumbai Police investigates unregistered tenants: પોલીસ કમિશનરે 29 જાન્યુઆરીએ જાહેર કરેલા આદેશ અનુસાર, દરેક ઘરના માલિકે પોતાના ભાડુઆતોની વિગતો ઑનલાઈન પોર્ટલ પર નોંધાવવી ફરજિયાત છે. આદેશનું પાલન ન કરવાને કારણે કુર્લા અને દાદરના બે મકાન માલિકો વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
કુર્લા કેસમાં 48 વર્ષીય હનીફ અલાઉદ્દીન શેખે ત્રણ વર્ષ માટે એક જરી ફેક્ટરીના કર્મચારી ઇમ્તિયાઝ અહમદ અંસારી (38)ને કોઈપણ ફૉર્મલ એગ્રિમેન્ટ અથવા પોલીસ સૂચના વિના મકાન ભાડેથી આપ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે શેખ અને ઇમ્તિયાઝ બંનેને નહેરુનગર પોલીસ સ્ટેશનમાં બોલાવીને તેમનાં નિવેદનો લેવામાં આવ્યા હતા. શેખે પોલીસને જણાવ્યું કે તેને નવા આદેશ વિશે માહિતી નહોતી. (Mumbai Police investigates unregistered tenants)
દાદરમાં શું થયું?
દાદરમાં એસઆઈ સતપુતેના નેતૃત્વ હેઠળ એક ટીમે દાદર રેલવે બ્રિજ નજીક રહેલા અનરજિસ્ટર્ડ ભાડુઆતની માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી. જણાવવામાં આવ્યું કે 39 વર્ષીય હરિકેશ મહાવીર નિષાદ નામના શખ્સ ઑગસ્ટ 2023થી કોઈ પણ પંજીકૃત ભાડા કરાર વિના બિલ્ડિંગની નીચે રહેતો હતો. પોલીસે મકાનમાલિક અશોક બંસરાજ પાંડે (58), જે માટુંગાના સિદ્ધિ કેમ્પમાં રહે છે, તેની પૂછપરછ કરી હતી અને તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઇ હતી.
પોલીસની ચેતવણી
મુંબઈ પોલીસના અધિકારીઓએ ચેતવણી આપતા જણાવ્યું કે જો કોઈ ઘરના માલિકો પોતાના ભાડુઆતોની વિગતો રજીસ્ટર નહીં કરે તો તેમના વિરુદ્ધ એફઆઇઆર નોંધાશે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આમાં દંડ, કાયદેસર એફઆઇઆર (FIR) અને અતિ ગંભીર કેસોમાં ધરપકડનો પણ સમાવેશ થાય છે. પોલીસે વધુમાં જણાવ્યું કે અનરજિસ્ટર્ડ ભાડુઆતો સુરક્ષાને ગંભીર જોખમ ઉભું કરી શકે છે. (Mumbai Police investigates unregistered tenants)
સુરક્ષાના હેતુથી કરવામાં આવી રહી છે આ કાર્યવાહી
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કાર્યવાહીનો ઉદ્દેશ મુંબઈ શહેરને વધુ સુરક્ષિત બનાવવાનો છે અને પ્રોપર્ટી માલિકોને જવાબદારીથી મિલકત ભાડે આપવા આ પગલું લેવાયું છે. અધિકારીઓએ વધુમાં ઉમેર્યું કે આ ઝુંબેશ શહેરમાંથી બિન-કાયદેસર રહેવાસીઓને દૂર કરવાના પ્રયાસોનો પણ એક ભાગ છે.