ઉંદરે લઈ લીધેલું સોનું પોલીસે પાછું મેળવ્યું

17 June, 2022 11:43 AM IST  |  Mumbai | Mehul Jethva

પુત્રીનાં લગ્નના પૈસા માટે દાગીના ગિરવી મૂકવા નીકળેલી મહિલાએ એ થેલી ભૂલથી ભિક્ષુક મહિલાને આપી, જેણે એ કચરાપેટીમાં ફેંકી દીધી. ત્યાંથી ઉંદર એને લઈ ગયો. અંતે પોલીસે ગટર અને કચરાપેટીનો કચરો ફંફોસીને દાગીના પાછા મેળવ્યા

મહિલાને તેના દાગીના સોંપતી પોલીસ

તમે ઘણી વાર સાંભળ્યું હશે કે વાંચ્યું હશે કે પોલીસે ચોરો પાસેથી સોનું જપ્ત કર્યું  છે, પરંતુ જો તમને કહેવામાં આવે કે પોલીસે ઉંદરોએ મૂકેલું સોનું જપ્ત કર્યું છે તો તમને વિશ્વાસ બેસે ખરો! જોકે આ ઘટના ખરેખર બની છે. દિંડોશી પોલીસને ૧૦ તોલા સોનું ગુમ થવાની ફરિયાદ મળી હતી જેમાં ફરિયાદી મહિલાની એક થેલી કચરામાં ફેંકાઈ હતી. એ પછી પોલીસે વધુ તપાસ કરી તો આશરે બે કલાક ગટરનો કચરો સાફ કર્યા પછી પાંચ લાખ રૂપિયાની કિંમતનું ૧૦ તોલા સોનું મળી આવ્યું હતું.

આરે કૉલોનીમાં રહેતી ૪૫ વર્ષની સુંદરા પરનેવીલ પુત્રીનાં લગ્ન હોવાથી પૈસા માટે દાગીના ગિરવી રાખવા માટે ૧૩ જૂને ઘરેથી નીકળી હતી. તે બીજાઓને ત્યાં ઘરકામ કરતી હોવાથી પહેલાં કામ પૂરું કરવા માટે ગઈ હતી જ્યાં તેને ઘરની માલકણે ખાવા માટે પાંઉ આપ્યા હતા. કામ પૂરું કરી ત્યાંથી નીકળીને બૅન્કમાં જવા માટે તે રોડ પર ચાલતી હતી ત્યારે તેને નાના બાળકને લઈને જતી ભિક્ષુક મહિલા દેખાઈ હતી. તેણે પાંઉની થેલી તેને આપી હતી. જોકે સાથે ભૂલમાં દાગીનાની થેલી પણ આપી દીધી હતી. બૅન્કમાં પહોંચી ત્યારે તેણે જોયું કે સોનાની થેલી ગાયબ હતી. એ પછી તેને ધ્યાનમાં આવ્યું કે તેણે દાગીનાની થેલી ભૂલથી રસ્તામાં મળેલી ભિક્ષુક મહિલાને આપી દીધી હતી. તરત સુંદરા એ સ્થળ પર દોડી આવી હતી જ્યાં તેને બીજી ભિક્ષુક મહિલા મળી હતી, પણ ત્યાં તેને તે મહિલા દેખાઈ નહોતી. ત્યાર બાદ તેણે દિંડોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દિંડોશી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી સબ-ઇન્સ્પેક્ટર ચંદ્રકાંત ઘાર્ગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી ત્યારે અમને કોઈ ભિક્ષુક મહિલા દેખાઈ નહોતી. એ પછી અમે સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે જે મહિલાને તેણે પાંઉની થેલી આપી હતી તેની શોધ કરી હતી. અનેક બિલ્ડિંગોમાંથી માહિતી મેળવ્યા બાદ તે મહિલા અમને ગોરેગામથી મળી આવી હતી. તેની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે પાંઉ ખાવા ન હોવાથી થેલી કચરાપેટીમાં ફેંકી દીધી હતી. અંતે અમે એ કચરાપેટીની નજીક પહોંચ્યા હતા જ્યાં આશરે ૧૦૦ મીટર દૂર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોયાં હતાં. એમાં એક ઉંદર એ થેલીને લઈ જતો દેખાયો હતો. એ પછી અમે અને અમારા સ્ટાફે ગટર અને કચરાપેટીનો તમામ કચરો ફંફોસ્યો હતો જેમાંથી અમને તમામ દાગીના મળી આવ્યા હતા. અમે તમામ સોનું મહિલાને સોંપી દીધું છે.’

mumbai mumbai news aarey colony mehul jethva