07 November, 2026 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિકવર કરાયેલી કીમતી વસ્તુઓ એમના અસલી માલિકોને સુપરત કરવામાં આવી હતી.
સાઉથ મુંબઈના ઝોન 1 હેઠળ આવતા ૭ પોલીસ-સ્ટેશન વિસ્તારમાં મુંબઈ પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા એક વિશેષ રિકવરી અભિયાનમાં મોટી સફળતા મળી છે. પોલીસે ૨.૩૧ કરોડ રૂપિયાની કિંમતનો ચોરાયેલો અને ગુમ થયેલો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ વિશેષ ઝુંબેશ દરમ્યાન પોલીસે ૨૩૮ મોબાઇલ ફોન અને ૧૯ મોટરસાઇકલ સહિત અન્ય કીમતી વસ્તુઓ શોધી કાઢી છે. આ રિકવરી-ડ્રાઇવ સાઉથ મુંબઈના કોલાબા, કફ પરેડ, મરીન ડ્રાઇવ, આઝાદ મેદાન, MRA માર્ગ, ડોંગરી અને સર જે.જે. માર્ગ પોલીસ-સ્ટેશન વિસ્તારમાં યોજવામાં આવી હતી. ચોરાયેલા અને ગુમ થયેલા સામાન સુધી પહોંચવા માટે પોલીસની ક્રાઇમ ડિટેક્શન ટીમોએ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલ દ્વારા ટેક્નિકલ ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. આ સાથે જ ગુપ્ત બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને મુંબઈ અને મહારાષ્ટ્રના વિવિધ ભાગો અને અન્ય રાજ્યોમાંથી આ તમામ મુદ્દામાલ ટ્રેસ કરીને રિકવર કરવામાં આવ્યો હતો.
રિકવર કરાયેલી કીમતી વસ્તુઓને એમના અસલી માલિકોને સુપરત કરવા માટે ગઈ કાલે આઝાદ મેદાનના પ્રેરણા હૉલમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે ૧૫૦ નાગરિકો હાજર રહ્યા હતા. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (સાઉથ ઝોન 1) મનીષ કાલવાણિયાના હસ્તે નાગરિકોને તેમનાં મોબાઇલ ફોન, મોટરસાઇકલ અને અન્ય કીમતી સામાન પાછાં સોંપવામાં આવ્યાં હતાં. પોતાની ગુમ થયેલી વસ્તુઓ સુરક્ષિત પાછી મળતાં નાગરિકોએ મુંબઈ પોલીસની આ કામગીરી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.