પોસ્ટની સુવિધા પણ હવે આંગળીને ટેરવે

18 October, 2021 11:50 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

નૅશનલ મેઇલ્સ ડેએ નવતર ઍપ લૉન્ચ કરી ડિજિટલાઇઝેશનની દિશામાં પગરવ માંડ્યા

૧૬ ઑક્ટોબરે ‘નૅશનલ મેઇલ્સ ડે’ના અવસર પર ઍન્ડ્રૉઇડ ઍપ લૉન્ચ કરવામાં આવી હતી

પોસ્ટ-ઑફિસની સેવાઓ પણ હવે આધુનિક રંગે રંગાઈ રહી છે. મુંબઈવાસીઓ હવે તેમનો ટપાલી કોણ છે એ જાણી શકશે. પોસ્ટ-ઑફિસની મુલાકાત લીધા વિના જ તેને ફોન કરીને માહિતી મેળવી શકશે. ‘નો યૉર પોસ્ટમૅન’ ઍપને કારણે આ શક્ય બન્યું છે. ‘નૅશનલ મેઇલ્સ ડે’ (૧૬ ઑક્ટોબર)ના રોજ આ ઍપ શરૂ કરવામાં આવી હતી. મુંબઈની ૮૬,૦૦૦થી વધુ જગ્યાઓ અને તમામ પોસ્ટ-ઑફિસોનાં લોકેશન્સને ગૂગલ મૅપ સાથે સાંકળી દેવાયાં છે.

આ ઍન્ડ્રૉઇડ ઍપ મૂળ મુંબઈ રીજનનાં પોસ્ટમાસ્ટર જનરલ સ્વાતિ પાંડેના દિમાગની ઊપજ છે. ઇન્ડિયા પોસ્ટના મુંબઈ રીજન દ્વારા ડિઝાઇન કરીને બનાવવામાં આવેલી આ અનોખી ઍપ નાગરિકોને સ્થળ, વિસ્તાર, પોસ્ટ-ઑફિસનું નામ અને પિનકોડ દ્વારા સર્ચ કરીને તેમના પોસ્ટમૅનની વિગતો મેળવવા માટે મદદરૂપ થાય છે. ઍપના ડેટાબેઝમાં મુંબઈ શહેરનાં ૮૬,૦૦૦થી વધુ સ્થળો અને સબર્બ્સને આવરી લેવાયાં છે એમ તેમણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

મુંબઈમાં મોબાઇલ ડિવાઇસ ધરાવતાં આશરે ૨૦૦૦ પોસ્ટમેન/વિમેન ૮૯ પોસ્ટ-ઑફિસ સાથે સંકળાયેલા છે. મુંબઈમાં રોજની લગભગ બેથી અઢી લાખ ટપાલ પહોંચાડવામાં આવે છે, જેમાં સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ, આધાર કાર્ડ્સ, પાસપોર્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે. મુંબઈનો વ્યસ્ત વર્ગ સીધા જ તેમના પોસ્ટમેન સાથે વાત કરી શકે અને તેમની સુવિધા મુજબ ડિલિવરી મેળવી શકે એ માટે ઇન્ડિયા પોસ્ટના મુંબઈ રીજને ‘નો યૉર પોસ્ટમૅન’ ઍપ થકી પોસ્ટલ નેટવર્કના ડિજિટાઇઝેશન તરફ નવી પહેલ શરૂ કરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

89

મુંબઈમાં છે આટલી પોસ્ટ-ઑફિસ

mumbai mumbai news rajendra aklekar