16 June, 2025 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજે મુંબઈ (Mumbai)ના પરાંમાં આવેલ કાંદિવલી (Kandivali)ની એક ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ટેન્શનનો માહોલ સર્જાયો છે. આ મામલે મુંબઈ પોલીસ (Mumbai Police)એ વધુ તપાસ શરુ કરી છે.
કાંદિવલી પૂર્વમાં આવેલી એક ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોમ્બની ધમકીભર્યો મેઇલ (International school in Kandivali receives bomb threat) મોકલવા બદલ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓ, સ્ટાફ અને વાલીઓ ભયભીત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ધમકી ઇમેઇલ દ્વારા મોકલવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોમ્બની ધમકીભર્યો મેઇલ મોકલનાર વ્યક્તિ પોતાની ઓળખ અને સ્થાન છુપાવવાની કોશિશ કરી રહી છે. ઈમેલમાં શાળામાં બોમ્બ વિસ્ફોટ થવાની ચેતવણી આપવામાં આવી હતી, જેના કારણે તાત્કાલિક સતર્કતા અને સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હતા. આ મામલે સમતા નગર (Samta Nagar) પોલીસે તપાસ શરૂ કરી છે અને ઇમેલના મૂળને શોધવા માટે કામ કરી રહી છે. ગુનાહિત ધાકધમકી અને જાહેર ભય પેદા કરવા સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીને ઓળખવા અને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
આવી જ એક ઘટનામાં, મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ - એમઆઇડીસી (Maharashtra Industrial Development Corporation – MIDC) પોલીસે ૩૫ વર્ષીય એક વ્યક્તિને મુંબઈ પોલીસના મુખ્ય કંટ્રોલ રૂમમાં બોમ્બની ધમકી આપતો ફોન કરવાના આરોપસર ધરપકડ કરી હતી. આરોપી મનજીત કુમાર ગૌતમે કથિત રીતે દાવો કર્યો હતો કે, મંગળવારે સવારે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Mumbai International Airport) પર બોમ્બ ફૂટશે. પોલીસના જણાવ્યા અનુસાર, અંધેરી પૂર્વ (Andheri, East)ના સાકીનાકા (Sakinaka)ના રહેવાસી ગૌતમે તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને હતાશામાં આવીને મે મહિનામાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ખોટી ધમકી આપી હતી. ગૌતમે પોતાના ફોનમાં દાવો કર્યો હતો કે, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport)ને વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવશે. MIDC પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ટેકનિકલ વિશ્લેષણની મદદથી ધમકીભર્યા કોલ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ નંબરનું સ્થાન શોધી કાઢ્યું. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન ૧૦) સચિન ગુંજલ અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીપી) ડૉ. શશિકાંત ભોંસલેના માર્ગદર્શન હેઠળ, આરોપીઓને શોધવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી. જેમાં સિનિયર ઇન્સ્પેક્ટર રાજીવ ચવ્હાણ, સબ-ઇન્સ્પેક્ટર આનંદરાવ કાશીદ અને ઘણા કોન્સ્ટેબલનો સમાવેશ થતો હતો. ટીમ કોલ પરથી મળેલા સ્થાન પર દોડી ગઈ. પહોંચ્યા પછી, તેમને જાણવા મળ્યું કે શંકાસ્પદનો ફોન બંધ હતો. જો કે, વધુ ટેકનિકલ તપાસથી શંકાસ્પદ વ્યક્તિના ફોટોગ્રાફ અને નામ દ્વારા તેની ઓળખની પુષ્ટિ કરવામાં મદદ મળી. સ્થાનિક પૂછપરછથી અધિકારીઓ એક કપડાની કંપની તરફ દોરી ગયા જ્યાં ગૌતમ નોકરી કરતો હતો. તેની ધરપકડ કરવામાં આવી અને વધુ પૂછપરછ માટે અંધેરી (પૂર્વ)ના MIDC પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો અને ત્યારબાદ વધુ તપાસ માટે સહાર પોલીસ (Sahar Police)ને સોંપવામાં આવ્યો હતો.