14 April, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : સતેજ શિંદે
માહિમ અને બાંદરા વચ્ચેની ખાડી પર આવેલા વર્ષો જૂના રેલવેના બ્રિજનું હાલ રીબિલ્ડિંગ ચાલી રહ્યું છે અને એથી વેસ્ટર્ન રેલવેએ શુક્ર, શનિ અને રવિવારે રાત માટે મેજર બ્લૉક લીધા છે. એમાં ગઈ કાલે સવારે બ્લૉક પછીના પહેલા દિવસે લોકોએ પીક અવર્સમાં ટ્રેનો લેટ દોડતાં હેરાનપરેશાન થવું પડ્યું હતું.
આ બ્લૉકમાં રાતે ૧૧ વાગ્યાથી કામ ચાલુ થાય છે જે સવાર સુધી ચાલે છે. એને કારણે કુલ મળીને ૩૦૦ જેટલી લોકલ ટ્રેનો આ ત્રણ દિવસ માટે કૅન્સલ કરવામાં આવી છે. ગઈ કાલે સવારે એ બ્લૉકને લઈને ટ્રેનો કૅન્સલ કરવામાં આવતાં વેસ્ટર્ન રેલવેનું ટાઇમટેબલ ખોરવાઈ ગયું હતું. બોરીવલી સ્ટેશન પર પૅસેન્જરોની હકડેઠઠ ભીડ જમા થઈ ગઈ હતી અને પ્રવાસીઓએ હાલાકી ભોગવવી પડી હતી. આવી જ પરિસ્થિતિ અન્ય સ્ટેશનો પર પણ જોવા મળી હતી.