મુંબઈ- પુણે એક્સપ્રેસવેની નવીનક્કોર મિસિંગ લિન્કે નાક કાપ્યું સરકારનું

07 July, 2026 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાલઘરમાં હાહાકાર, આજે પણ રેડ અલર્ટ: મુંબઈ અને થાણેમાં આજે ઑરેન્જ અલર્ટ, સ્કૂલો અને કૉલેજો બંધ: નાશિકમાં આજે આભ ફાટવાની આગાહી

ગઈ કાલે મુંબઈ-પુણે મિસિંગ લિન્ક પર મસમોટી ભેખડ રસ્તા રસ્તા પર ધસી આવી હતી.

મુંબઈ-પુણે એક્સપ્રેસવેની નવીનક્કોર મિસિંગ લિન્કનો ધજાગરો

હવામાન ખાતાએ જાહેર કરેલા રેડ અલર્ટના હિસાબે જ વરસાદે માઝા મૂકી અેમાં ૬૯૯૫ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી અને બે જ મહિના પહેલાં લોકોના ઉપયોગ માટે ખુલ્લી મુકાયેલી મુંબઈ-પુણે એક્સપ્રેસવેની મિસિંગ લિન્કને ભેખડો ધસી પડવાના કારણે બંધ કરવો પડ્યો હતો. સોમવારે વહેલી સવારે ૪ વાગ્યે ભેખડો ધસી પડવાના કારણે બન્ને તરફનો ટ્રાફિક થોભાવવો પડ્યો હતો.

છેલ્લા બે દિવસમાં લોનાવલા અને તળેગાવ વિસ્તારોમાં સરેરાશ કરતાં ઘણો વધારે વરસાદ પડ્યો છે જેની અસરને કારણે સોમવારે પરોઢિયે મિસિંગ લિન્કના એક્ઝિટ પૉઇન્ટ ટૂ પર મુંબઈ જતા કૅરેજવે પર એક મોટો સ્લૅબ તૂટી પડ્યો હતો. અે તૂટી પડ્યા પછી ટેકરી પરથી ભેખડ પણ ધસી પડી હતી અને રસ્તા પર ધોધની જેમ પાણી વહેવા લાગ્યું હતું. વરસાદને કારણે અેની એક ટનલ નજીક ભૂસ્ખલન થયું અને ફુટપાથને ભારે નુકસાન થયું હતું જેને પગલે તંત્ર સાબદું થયું હતું અને ભેખડોને હટાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. જોકે આ દરમ્યાન ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોને રસ્તા દ્વારા મુંબઈ અને પુણેનો વાહનવ્યવહાર ટાળવાની સૂચના અપાઈ હતી. ભારે વરસાદના કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસવે કે પછી જૂના મુંબઈ-પુણે હાઇવે ઉપરાંત માવળથી જતા રસ્તેથી પણ પ્રવાસ ન કરવાની અપીલ ટ્રાફિક-ડિપાર્ટમેન્ટ દ્વારા કરાઈ હતી. આખો દિવસ કાટમાળ હટાવવાની જહેમત બાદ આશરે ૧૦૦ ટનનો કાટમાળ હટાવીને મોડી રાતે મુંબઈ અને પુણે બન્ને તરફની લેન ખુલ્લી મુકાઈ હતી.

કેમ મિસિંગ લિન્કમાં પહેલા વરસાદમાં જ આ હાલત થઈ?

મિસિંગ લિન્ક પશ્ચિમ ઘાટના ઘાટવાળા સેક્શનમાંથી પસાર થાય છે. ખડકોને કારણે ભારે ચોમાસા દરમ્યાન પાણી અહીંના ભેખડોમાં દબાણ વધારે છે. પરિણામે ભૂસ્ખલન અને ભેખડો પડવાનું જોખમ વધારે છે. આ એ વિસ્તારમાં વાર્ષિક ૩૦૦૦થી ૬૦૦૦ મિલીમીટર વરસાદ પડે છે. મુંબઈ-પુણે મિસિંગ લિન્ક બનાવવા માટે એ વિસ્તારની આજુબાજુનાં ૧૦૦થી વધુ તળાવો ખોદાયાં હતાં એની પણ અસર થઈ હતી.

મિસિંગ લિન્કની દશાને જોઈને વિપક્ષે ઘેરી સરકારને: ભ્રષ્ટાચારના આરોપ સામે મુખ્ય પ્રધાને કહ્યું કે વિપક્ષને સારા પ્રોજેક્ટ હજમ નથી થતા

ભેખડો ધસી પડવાને કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મિસિંગ લિન્ક બંધ કરવામાં આવી એ મુદ્દે વિપક્ષે સરકારીને ઘેરી હતી અને આ પ્રોજેક્ટમાં ધાંધિયા થયા હોવાનો આરોપ મૂકીને તપાસની માગણી કરી હતી. શિવસેના (UBT)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે, કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ હર્ષવર્ધન સપકાળ, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વિધાનસભ્ય રોહિત પવાર તથા મુંબઈ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ તથા સંસદસભ્ય વર્ષા ગાયકવાડ અને સંસદસભ્ય તથા શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેએ સવાલ ઉઠાવ્યા હતા. હર્ષવર્ધન સપકાળે દેવેન્દ્ર ફડણવીસને ઇન્ફ્રામૅન નહીં પરંતુ ડિઝૅસ્ટરમૅન ગણાવ્યા હતા અને આ ઘટના માટે વરસાદ નહીં પરંતુ ભ્રષ્ટ કૉન્ટ્રૅક્ટરો અને હલકી ગુણવત્તાનું કામકાજ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. વર્ષા ગાયકવાડે પણ મિસિંગ લિન્ક બંધ થવાને ભ્રષ્ટાચારનું ઉદાહરણ ગણાવ્યું હતું.  એનો જવાબ આપતાં દેવેન્દ્ર ફડણવીસે મિસિંગ લિન્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બેનમૂન ઉદાહરણ હોવાનું જણાવી કહ્યું હતું કે ‘વિપક્ષ સત્તામાં હતો ત્યારે તો તેમણે આવો કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હાથમાં નહોતો લીધો એટલે તેમને હવે પેટમાં દુખી રહ્યું છે. તેઓ પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે, કારણ કે તેમને આવા પ્રોજેક્ટ હજમ નથી થઈ રહ્યા.’

mumbai news mumbai monsoon news mumbai monsoon indian meteorological department mumbai pune expressway mumbai rains