અમૂલ અને ગોકુલ દૂધનાં નકલી પૅકેટ બનાવતી વસઈની ફૅક્ટરી પર દરોડો

12 August, 2026 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અગાઉ દહિસરમાં પકડાયેલા નકલી દૂધના રૅકેટની તપાસને પગલે બ્રૅન્ડેડ દૂધનાં નકલી પૅકેટ બનાવતી ફૅક્ટરીનું પગેરું મળ્યું

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના દહિસર યુનિટે અમૂલ અને ગોકુલ સહિતની પ્રતિષ્ઠિત બ્રૅન્ડ્સના દૂધના પૅકેટ્સમાં ભેળસેળ કરીને એનું વેચાણ કરતા એક રૅકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વસઈમાં એક ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક ફૅક્ટરી પર દરોડો પાડ્યો હતો જ્યાં નકલી અમૂલ દૂધનાં પૅકેટ બનાવવામાં આવતાં હતાં. આ સંદર્ભે ૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે નકલી અમૂલ બૅગ અને નકલી પૅકેજિંગ બનાવવા માટે વપરાતી મશીનરી જપ્ત કરી છે, જેની કુલ કિંમત આશરે ૧૦ લાખ રૂપિયા છે. 
ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ૧૨ દ્વારા ૯ જુલાઈએ દહિસર-ઈસ્ટમાં એક વિસ્તારમાં રેઇડ પાડી હતી અને જાણીતી બ્રૅન્ડના દૂધનાં પૅકેટ કથિત રીતે ખોલીને, ગંદા પાણીથી ભેળવીને ફરી સીલ કરવામાં આવતાં હોવાનું અને ગ્રાહકોને વેચવામાં આવતાં હોવાનું શોધી કાઢ્યું હતું. પોલીસે ૨૯,૭૫૦ રૂપિયાનું લગભગ ૪૭૦ લીટર દૂધ, ૧૩,૦૦૦ નકલી ખાલી અમૂલ દૂધની થેલીઓ અને પ્લાસ્ટિકની સામગ્રી, દૂધમાં ભેળસેળ કરવા માટે વપરાતાં સાધનો અને ૪ મોબાઇલ ફોન મળીને ૧૦.૭૯ લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો.

મુખ્ય આરોપી તેલંગણમાંથી પકડાયો
પોલીસે આ રૅકેટના મુખ્ય આરોપીની ઓળખ કરીને તેલંગણમાંથી તેની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ પોલીસને વસઈ-ઈસ્ટમાં વાલિવ ફાટા સ્થિત લક્ષ્મી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે એક ફૅક્ટરી તરફ દોરી ગઈ હતી જ્યાં અમૂલ દૂધની નકલી થેલીઓ કથિત રીતે બનાવવામાં આવી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી ૨૦૨૧થી મુંબઈ અને એનાં ઉપનગરોમાં દૂધમાં ભેળસેળ કરતા લોકોને દૂધની નકલી બૅગ સપ્લાય કરતો હતો. 

mumbai news mumbai vasai mumbai police Crime News mumbai crime news