પહેલા દિવસની જોરદાર ઓપનિંગ ઇનિંગ્સ બાદ વરસાદની સ્લો બૅટિંગ: વીક-એન્ડમાં સારા વરસાદની આગાહી

26 June, 2026 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મંગળવારે મૉન્સૂનના પહેલા વરસાદની જોરદાર એન્ટ્રી થઈ ત્યાર બાદ બુધવારે મુંબઈમાં વરસાદે સારી હાજરી આપી હતી

મરીન ડ્રાઇવના આકાશમાં દેખાયાં હતાં બે મેઘધનુષ

મંગળવારે મૉન્સૂનના પહેલા વરસાદની જોરદાર એન્ટ્રી થઈ ત્યાર બાદ બુધવારે મુંબઈમાં વરસાદે સારી હાજરી આપી હતી, પણ ગુરુવારે વરસાદે હળવો હાથ રાખ્યો હતો. ગઈ કાલે મુંબઈમાં અમુક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ જ નોંધાયો હતો. સાઉથ મુંબઈમાં ભાયખલા, પરેલ અને સાયનમાં જ્યારે બાંદરા, વિલે પાર્લે, જોગેશ્વરી, કુર્લા અને મુલુંડ જેવા વિસ્તારોમાં સવારે અને સાંજના સમયે થોડો વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ આજે મુંબઈમાં હળવો વરસાદ પડશે, જ્યારે વીક-એન્ડમાં મુંબઈ અને થાણે-પાલઘરમાં વરસાદનું જોર વધશે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે. 

પહેલા જ વરસાદમાં શહેરમાં ઠેર-ઠેર વૃક્ષો તૂટી પડવાની ૧૧૩ ઘટના બની હતી અને એને કારણે વાહનોને નુકસાન પહોંચવાની ઘટના પણ બની હતી, જેને પગલે BMCની ટ્રી-ટ્રિમિંગની પ્રક્રિયા સામે પ્રશ્નો ઊભા થયા હતા. જોકે હવે BMC વરસાદને કારણે તૂટી પડે એવાં વૃક્ષોને ચિહનિત કરીને ભારે વરસાદ વખતે આવાં જોખમી વૃક્ષોની આસપાસ વાહનો ઊભાં ન કરવાનાં અને એમનાથી દૂર રહેવું એવી ચેતવણી આપતાં પોસ્ટરો આખા શહેરમાં લગાવી રહી છે. તસવીરમાં આવું જ એક પોસ્ટર લગાવતો BMCના ગાર્ડન​ ડિપાર્ટમેન્ટનો કર્મચારી. 

મરીન ડ્રાઇવના આકાશમાં દેખાયાં બે મેઘધનુષ

ગુરુવારે વહેલી સવારે મરીન ડ્રાઇવના આકાશમાં એકસાથે બે મેઘધનુષ દેખાયાં હતાં. દરિયાની ક્ષિતિજ પર સર્જાયેલા આ રૅર કહી શકાય એવા નજારાને મુંબઈગરાઓએ માણ્યો હતો.

mumbai news mumbai monsoon news mumbai monsoon mumbai rains indian meteorological department