મેઘરાજા મુંબઈકર્સને વધુ રાહ જોવડાવવાના મુડમાં! હજી તો.. ૨૫ જૂન પછી થશે ચોમાસની એન્ટ્રી

16 June, 2026 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Rains delayed again? મુંબઈકર્સને હજી વધુ ગરમી અને બફારાનો સામનો કરવો પડશે કારણકે હવામાન વિભાગે આગાહી કરી છે કે, શહેરમાં ચોમાસું હજી અઠવાડિયું લંબાશે; છેલ્લા બે દાયકામાં સૌથી સૂકો જૂન મહિનો રહેવાની આશંકા

ફાઇલ તસવીર

મેઘરાજા મુંબઈકર્સને જાણે તડપાવી રહ્યાં હોય તેવી પરિસ્થિતિ છે! મુંબઈ (Mumbai)માં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે નૈઋત્યનું ચોમાસું હજી એક અઠવાડિયા કરતાં વધુ સમય દૂર રહેવાની શક્યતા (Mumbai Rains delayed again) છે. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department)એ ફરી એકવાર ચોમાસાના આગમનની આગાહી પાછી ઠેલી છે, જ્યારે ખાનગી હવામાન એજન્સી `સ્કાયમેટ` (Skymet)એ ચેતવણી આપી છે કે મુંબઈમાં આ વર્ષે તાજેતરના ઈતિહાસનું સૌથી મોડું ચોમાસું જોવા મળી શકે છે. આ લાંબા વિલંબને કારણે પાણીના સંગ્રહ, વધતી જતી ગરમી-ભેજ અને છેલ્લા બે દાયકામાં સૌથી સૂકો જૂન મહિનો રહેવાની આશંકાથી ચિંતા વધી ગઈ છે.

ચોમાસાની આગાહીમાં બદલાવ

અગાઉ ૧૧ જૂનના રોજ ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે પશ્ચિમ કિનારે ચોમાસાની ગતિ કામચલાઉ ધોરણે અટકી ગઈ છે અને તે ૧૫ અથવા ૧૬ જૂન સુધીમાં ફરી આગળ વધશે, જેનાથી મુંબઈમાં ૧૮ કે ૧૯ જૂન સુધીમાં વરસાદ (Mumbai Monsoon) પડી શકે છે. જો કે, થોડા દિવસો પછી આ આગાહી બદલીને જણાવવામાં આવ્યું કે ચોમાસું દક્ષિણ કોંકણ (South Konkan)ના હરનાઈ (Harnai) નજીક ૨૦ જૂન સુધી સ્થિર રહેશે. હવે, આ તારીખ વધુ પાછી ઠેલવામાં આવી છે.

મુંબઈમાં ચોમાસાના આગમન અંગે IMD અધિકારીએ કહ્યું કે…

ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહોપાત્રા (IMD Director General Mritunjay Mohapatra)એ જણાવ્યું છે કે મુંબઈ સહિત ઉત્તર મહારાષ્ટ્ર (Maharashtra) અને મધ્ય મહારાષ્ટ્રના ભાગોમાં ૨૫ જૂન સુધીમાં જ વ્યાપક ચોમાસુ વરસાદ શરૂ થવાની સંભાવના છે. જો આ આગાહી સાચી પડશે તો મુંબઈમાં ચોમાસાના સામાન્ય આગમન કરતાં આશરે ૧૫ દિવસ જેટલો વિલંબ થશે.

બીજી તરફ, સ્કાયમેટ એ વધુ ચિંતાજનક ચિત્ર રજૂ કરતાં કહ્યું છે કે ચોમાસું ૨૫ જૂન પછી પણ આવી શકે છે. મુંબઈમાં તાજેતરના વર્ષોમાં સૌથી મોડું ચોમાસું ૨૫ જૂન, ૨૦૨૩ ના રોજ નોંધાયું હતું. પરંતુ આ વર્ષે વિલંબનો એ રેકોર્ડ પણ તૂટી શકે છે. જો વરસાદી ગતિવિધિઓ નહીં સુધરે, તો મુંબઈ છેલ્લા બે દાયકા (૨૦ વર્ષ)માં તેના સૌથી સૂકા જૂન મહિનાનો સામનો કરી શકે છે.

જળાશયોમાં પાણીનું સ્તર ચિંતાજનક સપાટીએ

ચોમાસામાં થઈ રહેલા આ વિલંબની સીધી અસર હવે મહારાષ્ટ્રના જળાશયો અને ડેમોમાં પાણીના સંગ્રહ (Mumbai Water Level) પર દેખાવા લાગી છે. સત્તાવાર માહિતી અનુસાર, ૧૫ જૂન સુધીમાં મુંબઈને પાણી પૂરું પાડતા સાત મુખ્ય તળાવોમાં તેમની કુલ ક્ષમતાના માત્ર ૧૦.૭૨ ટકા જ પાણી બચ્યું છે.

સમગ્ર રાજ્યની વાત કરીએ તો, ૩,૦૨૮ ડેમ પ્રોજેક્ટ્સમાં પાણીનો સંગ્રહ ૧૫ જૂન સુધીમાં ૨૪.૫૩ ટકા નોંધાયો છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં ૩૦.૭૮ ટકા હતો.

ચોમાસાના નબળા પ્રદર્શન અને પાણીની અછતને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government)એ વહીવટીતંત્રને ૩૧ ઓગસ્ટ સુધી પીવાના પાણી પુરવઠાને પ્રાથમિકતા આપવા અને આગામી અઠવાડિયામાં પાણીનું વ્યવસ્થાપન અત્યંત કાળજીપૂર્વક કરવા નિર્દેશ આપ્યો છે.

મુંબઈમાં હાલના દિવસોમાં વાદળછાયું વાતાવરણ, અસહ્ય ભેજ અને ક્યાંક હળવા ઝાપટાં જોવા મળી રહ્યા છે, પરંતુ હવામાન અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ સ્થાનિક વરસાદ છે અને તેને ચોમાસાનું સત્તાવાર આગમન ગણી શકાય નહીં.

monsoon news mumbai monsoon mumbai rains Weather Update mumbai weather indian meteorological department mumbai water levels Water Cut mumbai mumbai news