મુંબઈમાં ભારે વરસાદથી હાલ-બેહાલઃ ઠેર-ઠેર ભરાયા પાણી, ટ્રેન અને ટ્રાફિક પર પણ અસર

15 September, 2025 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Rains: શહેરમાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા; લોકલ ટ્રેન સેવાઓ પર પણ થઈ અસર; ઠેક-ઠેકાણે ટ્રાફિક જામ

તસવીરઃ સૈય્યદ સમીર આબેદી

રવિવાર રાતથી મુંબઈ (Mumbai)માં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે સોમવારે સવારે શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા, ટ્રાફિક જામ થયો હતો અને લોકલ ટ્રેન સેવાઓ પણ ખોરવાઈ ગઈ હતી. દક્ષિણ મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં રાતભર ધોધમાર વરસાદ (Mumbai Rains) ચાલુ રહ્યો હતો, જેના કારણે અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈકર્સને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department)એ મુંબઈ, થાણે (Thane) અને પાલઘર (Palghar)માં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે અને બપોર સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાયગઢ (Raigad)માં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે એટલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ કોંકણ (South Konkan), ગોવા (Goa) જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ વાવાઝોડા સાથે વીજળી, ભારે વરસાદ અને ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

મુંબઈ શહેર અને ઉપનગરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ઓફિસના ધસારાના સમયે ટ્રાફિક ધીમો પડી ગયો હતો. રાતથી શરુ થયેલો વરસાદ સવારે પણ ચાલુ જ રહ્યો હતો, મધ્ય રેલવે (Central Railway) રૂટ પર કુર્લા (Kurla) સ્ટેશન અને પશ્ચિમ રેલવે (Western Railway) નેટવર્ક પર બાંદ્રા (Bandra) સ્ટેશન પર ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોકલ ટ્રેનો થોડી મોડી ચાલી (Mumbai Local Train Updates) રહી હતી.

મધ્યરાત્રિની આસપાસ વીજળી અને ગાજવીજ સાથે શરૂ થયેલો ભારે વરસાદ સવારે પણ ચાલુ રહ્યો, જેના કારણે કિંગ્સ સર્કલ (King`s Circle) અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, એમ પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું.

પાણી ભરાયેલા ખાડાઓને કારણે રસ્તા પર ટ્રાફિકની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.

ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક ખોરવાઈ ગયો. મુંબઈ ટ્રાફિક પોલીસ (Mumbai Traffic Police)એ સોમવારે વહેલી સવારે અંધેરી સબવે (Andheri Subway) પર એકથી દોઢ ફૂટ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક બંધ કરવાની જાહેરાત કરી હતી.

રવિવારે સવારે ૮.૩૦ વાગ્યાથી સોમવારે સવારે ૫.૩૦ વાગ્યા સુધી, કોલાબામાં સૌથી વધુ ૮૮.૨ મીમી વરસાદ પડ્યો હતો, ત્યારબાદ બાંદ્રામાં ૮૨ મીમી અને ભાયખલામાં ૭૩ મીમી વરસાદ પડ્યો હતો, એમ ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું.

માહુલ ટાટા પાવર સ્ટેશને ૭૦.૫ મીમી વરસાદ નોંધાવ્યો હતો, જ્યારે જુહુમાં ૪૫.૦ મીમી વરસાદ નોંધાયો હતો. સાંતાક્રુઝ અને મહાલક્ષ્મીમાં અનુક્રમે ૩૬.૬ મીમી અને ૩૬.૫ મીમી વરસાદ નોંધાયો હતો, એમ ભારતીય હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ સોમવારે મુંબઈ, થાણે અને રાયગઢ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. જેમાં વાવાઝોડા, વીજળી અને ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ભારેથી અતિ તીવ્ર વરસાદની આગાહી કરવામાં આવી છે.

IMD ના સવારે ૮.૦૦ વાગ્યાના હવામાન બુલેટિન મુજબ, શહેર અને તેના ઉપનગરોમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સવારે ૮.૩૦ વાગ્યે જારી કરાયેલી ચેતવણી આગામી ત્રણ કલાક માટે માન્ય છે.

ભરતી-ઓટની પ્રવૃત્તિ પણ નોંધપાત્ર રહેવાની ધારણા છે. આજે સાંજે ૫.૧૭ વાગ્યે ૩.૦૪ મીટર ઉંચી ભરતી આવવાની આગાહી છે. જ્યારે આવતીકાલે સવારે ૭.૪૮ વાગ્યે ૩.૫૦ મીટર ઉંચી ભરતી આવવાની આગાહી છે. આજે બપોરે ૧૨.૧૮ વાગ્યે ૨.૩૮ મીટર અને કાલે ૧૨.૧૬ વાગ્યે ૧.૪૭ મીટર ઉંચી ભરતી આવવાની આગાહી છે.

mumbai rains mumbai monsoon mumbai weather monsoon news Weather Update indian meteorological department brihanmumbai municipal corporation mumbai traffic police mumbai traffic mumbai local train western railway central railway mumbai mumbai news