વડાલામાં ૧૫ દિવસ બાદ નીકળી રામનવમીની શોભાયાત્રા - રામભક્તો સામે આખરે પોલીસે કરવી પડી પીછેહઠ

21 April, 2025 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬ અને ૧૩ એપ્રિલે પોલીસે પરવાનગી ન આપી અને ગઈ કાલે પણ ના પાડ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ વિરોધ-પ્રદર્શન કર્યું એટલે તેમના પર લાઠીચાર્જ થયો : જોકે છેવટે ઝૂકીને શોભાયાત્રાની પરવાનગી આપી દેવી પડી

રામભક્તોએ શોભાયાત્રા કાઢવા માટેનો આગ્રહ કાયમ રાખતાં પોલીસે મંજૂરી આપ્યા બાદ વાજતેગાજતે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

વડાલા પોલીસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને છઠ્ઠી એપ્રિલે રામનવમીએ શોભાયાત્રા કાઢવાની પરવાનગી નકારી હતી. એ પછી ૧૩ એપ્રિલે પણ ના પાડી અને ગઈ કાલે પણ ના પાડી એને પગલે કાર્યકરોએ પરવાનગી વગર શોભાયાત્રા કાઢવાનો નિર્ણય લેતાં પોલીસે શોભાયાત્રાની તૈયારી કરી રહેલા કાર્યકરો પર લાઠીચાર્જ પણ કર્યો અને તેમને પકડીને પોલીસ-સ્ટેશન લઈ જવાયા હતા. પોલીસે કરેલા લાઠીચાર્જમાં કેટલાક કાર્યકરો ઘવાયા હતા. જોકે એ પછી આ સમાચાર વાયુવેગે ફેલાતાં સેંકડોની સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ વડાલા પોલીસ-સ્ટેશન પર જઈને જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આખરે પોલીસે નમતું જોખવું પડ્યું અને ત્યાર બાદ શોભાયાત્રાને પરવાનગી પણ આપવી પડી હતી.      

વડાલા પોલીસે ગઈ કાલે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરો રૅલી કાઢવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે રોક્યા હતા જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. VHP અને બજરંગ દળના કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો હતો કે પોલીસે તેમને તાબામાં લીધા હતા અને લાકડીથી ફટકાર્યા હતા. આ બાબતના વિડિયો સોશ્યલ ​મીડિયામાં ફરતા થતાં મોટી સંખ્યામાં સમર્થકો વડાલા પોલીસ-સ્ટેશન પહોંચી ગયા હતા અને જોરદાર નારાબાજી કરી હતી. મામલો બીચકતો જોતાં આખરે પોલીસે પરવાનગી આપી હતી અને એ પછી વડાલાના સંગમનગર વિદ્યાલંકાર કૉલેજથી ધામધૂમથી શોભાયાત્રા નીકળી હતી.  

વડાલામાં શોભાયાત્રાની પરવાનગી માગી રહેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પર પોલીસે ગઈ કાલે લાઠીચાર્જ કરીને તેમને પોલીસ-સ્ટેશનની બહાર બેસાડ્યા હતા. 

આ ઘટના સંદર્ભે એવું જાણવા મળ્યું હતું કે VHP અને બજરંગ દળે મૂળમાં તો રામનવમીના શુભ અવસરે શોભાયાત્રા કાઢવા પરવાનગી માગી હતી. પોલીસે એ માટે તેમને પરવાનગી આપી નહોતી. એથી તેમણે ગયા રવિવારે ૧૩ એપ્રિલે શોભાયાત્રા કાઢવાની પરવાનગી માગી હતી. તેમની એ અરજીને પણ ફગાવી દેવાઈ અને પરવાનગી ન આપવામાં આવી. એથી ગઈ કાલે ૨૦ એપ્રિલે સાંજે પોલીસ પરવાનગી આપે તો ઠીક, નહીં તો વગર પરવાનગીએ જ શોભાયાત્રા કાઢવાનું નક્કી થયું હતું. ‌VHPના કાર્યકરો કેટલાક યુવાનો સાથે એની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે વડાલા પોલીસને એ વિશે જાણ થતાં પોલીસે જઈને કાર્યવાહી કરી હતી અને તેમને પરવાનગી વગર શોભાયાત્રા કાઢવા નહીં મળે એમ જણાવતાં એ યુવાનો અને પોલીસ વચ્ચે જીભાજોડી થઈ હતી. એ પછી મામલો બીચક્યો હતો. કાર્યકોરોનું કહેવું હતું કે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો, જેમાં કેટલાક યુવાનો ઘાયલ પણ થયા હતા. પોલીસે તેમને તાબામાં લીધા હતા અને પોલીસ-સ્ટેશન લઈ આવી હતી. એની જાણ VHPના કાર્યકોરોને થતાં તેઓ મોટી સખ્યામાં વડાલા પોલીસ-સ્ટેશન પહોંચી ગયા હતા અને જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. 

બજરંગ દળના પ્રતિનિધિ ગૌતમ કાનજીએ આ વિશે માહિતી આપતાં ​‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં પોલીસે પરવાનગી નહોતી આપી, પણ પ્રભુ શ્રીરામની શોભાયાત્રા કાઢવા અમને પરવાનગી આપવામાં આવે એવી રજૂઆત અમે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (લૉ ઍન્ડ ઑર્ડર)ને પણ કરી હતી. તેમનું કહેવું હતું કે શાંતિથી શોભાયાત્રા નીકળવી જોઈએ, જે માટે અમે પણ સકારાત્મક અભિગમ અપનાવ્યો હતો અને ખાતરી આપી હતી. એ પછી ૪.૩૦ વાગ્યે વડાલા સંગમનગરના હનુમાન મંદિરથી શોભાયાત્રા નીકળી જેમાં ૪૦૦૦-૫૦૦૦ ભાવિકો જોડાયા હતા. એ ફરતી-ફરતી રાતે ૯.૩૦ વાગ્યે વડાલાના ચિરંજીવ હનુમાન મંદિર પહોંચી હતી અને ત્યાં એનું સમાપન થયું હતું.’          

અમે ફક્ત નારાબાજી કરી રહ્યા હતા, પોલીસે લાઠીચાર્જ કેમ કર્યો?
પોલીસે તાબામાં લીધા બાદ વાઇરલ થયેલા વિડિયોમાં VHPના કાર્યકરોનું કહેવું હતું કે ‘અમે શોભાયાત્રાની તૈયારી કરી રહ્યા હતા. પોલીસે આવીને અમને અટકાવ્યા હતા, અમને ચારેબાજુથી ઘેરી લીધા હતા. અમે ફક્ત નારાબાજી કરી હતી છતાં અમારા પર લાઠીચાર્જ કરાયો અને અમને પોલીસ-સ્ટેશન લઈ જવાયા. પોલીસે અમારા પર લાઠીચાર્જ કેમ કર્યો?’  

mumbai news mumbai wadala mumbai police ram navami hinduism bajrang dal vishwa hindu parishad