✕

રૅ‌પિડોના ‌રિક્ષાવાળાએ મા-દીકરાને હેરાન કરી નાખ્યાં

17 October, 2026 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્નેને ‌નિર્જન રસ્તે ઉતારીને ભાગી ગયો, પોલીસને ૧૧૨ નંબર પર ફોન કર્યો તો છેક ૪ કલાકે પ્ર‌‌તિસાદ મળ્યો: રૅપિડોએ ડ્રાઇવરને કર્યો સસ્પેન્ડ, પોલીસે હેલ્પલાઇન રેકૉર્ડ્‍સની તપાસ હાથ ધરી

બાંદરાથી કાલિના જવા માટે મહિલાએ રૅપિડો ઑટો બુક કરાવી હતી

બાંદરામાં ચર્ચમાંથી ઘરે પાછી ફરી રહેલી મહિલા અને તેના ૧૨ વર્ષના પુત્ર માટે રવિવારની મુસાફરી ભયાનક બની ગઈ હતી. રૅપિડો ઑટો-ડ્રાઇવરે તેમની સાથે ગેરવર્તણૂક કરી બે વાર રિક્ષામાંથી ઉતારી દીધાં. અને નિર્જન રસ્તે એકલાં મૂકી દીધાં હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે. કટોકટી વખતે બાળકે ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર ૧૧૨ ડાયલ કર્યો હોવા છતાં તાત્કાલિક કોઈ મદદ મળી નહોતી અને ૪ કલાક પછી કૉલબૅક આવ્યો હતો.
બાંદરાથી કાલિના જવા માટે મહિલાએ રૅપિડો ઑટો બુક કરાવી હતી. સાંતાક્રુઝ (ઈસ્ટ) જંક્શન પાસે વાકોલા તરફના ટ્રાફિકથી બચવા મહિલાએ જમણી બાજુ વળવા કહ્યું હતું. વધારાના ૫૦૦ મીટર કાપવા બાબતે ડ્રાઇવરે ગુસ્સે થઈને ગાળાગાળી શરૂ કરી હતી.
ડ્રાઇવરે સાંતાક્રુઝ મેટ્રો સ્ટેશન નજીક રિક્ષા થોભાવીને બન્નેને નીચે ઉતારી દીધાં હતાં. એક રાહદારીએ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો અને ત્યાર બાદ મહિલાએ ટ્રાફિક પૅટ્રોલિંગ વૅનને અટકાવીને હકીકત જણાવી હતી. પોલીસે ડ્રાઇવરને મુસાફરોને કાલિના પહોંચાડવા સૂચના આપી હતી.
ફરીથી રિક્ષામાં બેઠા બાદ ડ્રાઇવરે ફરી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું અને ગ્રૅન્ડ હયાત હોટેલ તરફ જતા એક નિર્જન રસ્તે રિક્ષા વાળી લીધી હતી. અસુરક્ષિતતા અનુભવતાં મહિલાએ પુત્રને ૧૧૨ ડાયલ કરવા કહ્યું હતું. બાળકે હેલ્પલાઇન પર ફોન કર્યો હોવાની જાણ થતાં જ ડ્રાઇવરે બન્નેને રસ્તા વચ્ચે ઉતારી દીધાં હતાં અને રિક્ષા ભગાવી ગયો હતો. મહિલાએ ફરિયાદ નોંધાવ્યા બાદ રૅપિડોએ ડ્રાઇવરને સસ્પેન્ડ કર્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે ડ્રાઇવરો અન્ય પ્લૅટફૉર્મ્સ સાથે પણ જોડાયેલા હોવાથી માત્ર એક પ્લૅટફૉર્મ્સ પર પ્રતિબંધ પૂરતો નથી. આ બાબતે પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ૧૧૨ના કૉલ-રેકૉર્ડ્‍સ તપાસવામાં આવી રહ્યા છે કે મદદ પહોંચાડવામાં આટલો વિલંબ શા માટે થયો. 

mumbai news mumbai kalina santacruz bandra Crime News mumbai crime news