25 July, 2026 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૩ જૂને મુંબઈમાં સાઉથ-વેસ્ટ મૉન્સૂનના આગમન પછી શહેરમાં અૅવરેજ લગભગ ૮૦ ટકા વરસાદ નોંધાયો છે. સાંતાક્રુઝ હવામાન મથકમાં સીઝન દરમ્યાન અૅવરેજ ૨૩૧૯ મિલીમીટર વરસાદ નોંધાય છે. આ વખતે અત્યાર સુધીમાં અેના ૮૦.૭૩ ટકા અથવા ૧૮૭૨.૧ મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે કોલાબામાં અૅવરેજ ૧૫૫૬.૩ મિલીમીટર વરસાદ પડ્યો છે જે કુલ ૨૦૧૫ મિલીમીટરના ૭૪.૨૯ ટકા જેટલો છે.
ગયા વર્ષે આ જ દિવસ સુધીમાં મુંબઈમાં અેના વાર્ષિક સરેરાશ વરસાદના માંડ ૫૦ ટકા વરસાદ પડ્યો હતો જેમાં સાંતાક્રુઝ અને કોલાબામાં અનુક્રમે ૪૯.૬૯ ટકા અને ૪૩.૦૫ ટકા વરસાદ નોંધાયો હતો. શુક્રવાર સુધીના મોસમી વરસાદથી કોલાબા વેધશાળામાં નોંધાયેલ ૩૮.૨ ટકા વધુ વરસાદ અને સાંતાક્રુઝમાં ૫૪.૮ ટકા વધુ વરસાદનો સંકેત મળે છે.
હવામાન ખાતાએ મુંબઈ, થાણે અને પાલઘર માટે શનિવાર માટે યલો અલર્ટ અને બાકીના દિવસ માટે ગ્રીન અલર્ટ જારી કર્યું છે. વળી આજે શનિવારે મુંબઈમાં પવનની ગતિ વધુ હોવાનો પણ સંકેત આપ્યો છે જેમાં ૫૦થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ક્યારેક ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
બે દુર્ઘટના
ગુરુવારે ફાયર કન્ટ્રોલ રૂમ પાસેથી મળેલી માહિતી મુજબ પવઈના વિહાર તળાવમાં ૧૯ વર્ષનો ટીનેજર ડૂબી ગયો હતો. શુક્રવારે બપોરે ૨.૧૫ વાગ્યે ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા
તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતો.
વસઈ-વિરારને પાણી પૂરું પાડતા MMRDA (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)ના સૂર્યા પ્રોજેક્ટ અંતર્ગત સૂર્યાનગર વૉટર ફિલ્ટરેશન પ્લાન્ટ વિસ્તારમાં અને કવડસા પમ્પિંગ-સ્ટેશન પાસે સુસવાટા મારતા પવન સાથે થયેલા ધોધમાર વરસાદમાં વીજળીનો પુરવઠો ખંડિત થઈ ગયો હતો. એથી સૂર્યા પ્રોજેક્ટમાંથી પાણીની સપ્લાય અટકી ગઈ હતી.આ સિવાય સૂર્યા ડૅમ પરની નવી અને જૂની પાણીપુરવઠા યોજના અંતર્ગત માસવન પમ્પિંગ-સ્ટેશન અને ધુકટન ફિલ્ટરેશન પ્લાન્ટની વીજ-સપ્લાય પણ ખંડિત થઈ ગઈ છે. આમ વસઈ-વિરારને પાણી પૂરું પાડતી નવી-જૂની બધી જ લાઇન બંધ છે. મહાવિતરણ દ્વારા પાવર રીસ્ટોર કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. એ સમારકામ થયા પછી આજથી તબક્કાવાર એક પછી એક પ્રોજેક્ટમાંથી પાણીની સપ્લાય પાછી ચાલુ કરવામાં આવશે. જોકે પ્રેશર શરૂઆતમાં ઓછું હશે એટલે વસઈ-વિરારના લોકોને પાણી સાચવીને વાપરવાની અપીલ કરવામાં આવી છે.
ઉલ્હાસ નદીમાં ટીનેજર ડૂબ્યો
થાણે જિલ્લામાં શુક્રવારે સવારે ઉલ્હાસ નદીના ભારે પ્રવાહમાં તણાઈ જવાથી ૧૬ વર્ષનો એક ટીનેજર ડૂબી ગયો હતો. તણાઈ ગયેલા ટીનેજરની ઓળખ યશવંત વાઘે તરીકે થઈ છે. તે જિલ્લાના મોહલી-બાલ્યાની વિસ્તારના આદિવાસી ગામનો રહેવાસી હતો.