તાપમાનનો પારો ચડતાં આભમાંથી અંગારા વરસતા હોય એવી ગરમી

24 April, 2022 11:01 AM IST  |  Mumbai | Prajakta Kasale

ગઈ કાલે છેલ્લાં ૧૦ વર્ષનું એપ્રિલનું લઘુતમ તાપમાન નોંધાયું

ફાઇલ તસવીર

સામાન્ય રીતે દિવસના મહત્તમ તાપમાન પર દરેક વ્યક્તિની નજર હોય છે, પરંતુ શહેરમાં હાલમાં જે બફારાની અસર વર્તાઈ રહી છે એનું શ્રેય લઘુતમ તાપમાનને જાય છે. ગઈ કાલે શહેરમાં લઘુતમ તાપમાન ૨૮.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લાં ૧૦ વર્ષમાં એપ્રિલ મહિનામાં નોંધાયેલું સૌથી વધુ છે. સરળ શબ્દોમાં કહીએ તો દિવસનું તાપમાન કોઈ પણ સમયે ૨૮.૨ ડિગ્રીથી નીચે આવતું નથી અને આ જ સ્થિતિ રાત્રે પણ નોંધાય છે.

કોઈ પણ સ્થળના તાપમાનની ગણતરી જે તે દિવસના લઘુતમ અને મહત્તમ તાપમાન પરથી કરાય છે. સામાન્ય રીતે મહત્તમ તાપમાન બપોરે બે કે ત્રણ વાગ્યે નોંધાય છે, જ્યારે લઘુતમ તાપમાન સૂર્યાસ્ત પહેલાં નોંધાય છે. ઉનાળામાં લઘુતમ તાપમાન ખૂબ મહત્ત્વનું મનાય છે.

સૂર્યાસ્ત પછી તાપમાન ઘટવાની શરૂઆત થાય છે અને રાત્રિના સમયે એકદમ નીચું નોંધાય છે, પરંતુ હવે તાપમાન રાતના સમયે પણ ઊંચું જ રહે છે અને લોકોને મધરાત પછી પણ ઉકળાટ કે બફારાથી રાહત મળી શકતી ન હોવાનું હવામાન ખાતાના નિષ્ણાતો જણાવે છે.

હજી આગામી બે દિવસ શહેરનું તાપમાન આટલું જ ઊંચું રહેવાની અપે​ક્ષા છે.  મુંબઈમાં તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય, પરંતુ ઉત્તર-મધ્ય મહારાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ-અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું આવવાની સંભાવના છે.  

mumbai mumbai news Weather Update mumbai weather prajakta kasale