22 November, 2025 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંબરનાથ ઈસ્ટ-વેસ્ટને જોડતા બ્રિજ પર રૉન્ગ સાઇડ ધસી આવેલી કાર અને ટૂ-વ્હીલરની ટક્કરમાં એક વ્યક્તિ હવામાં ફંગોળાઈને ફ્લાયઓવરની નીચે પટકાઈ હતી.
અંબરનાથમાં ગઈ કાલે સાંજે એક કાર-ડ્રાઇવરે બૅલૅન્સ ગુમાવતાં કેટલાંક ટૂ-વ્હીલર સાથે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર બાદ કાર પલટી ખાઈ ગઈ હતી અને ટૂ-વ્હીલરો અનેક મીટર સુધી દૂર ઢસડાયાં હતાં. આ ભીષણ અકસ્માતમાં ૪ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ૩ લોકો ઘાયલ થયા છે.
અંબરનાથ ઈસ્ટ અને વેસ્ટને જોડતા ફ્લાયઓવર પર સાંજે ૭.૧૫ વાગ્યે વાહનો વચ્ચે થયેલી ટક્કરની અસર એટલી ગંભીર હતી કે ટૂ-વ્હીલર પર સવાર એક વ્યક્તિ હવામાં ઊછળીને ફ્લાયઓવરની નીચે પટકાઈ હતી. અકસ્માતને કારણે બે ટૂ-વ્હીલર સંપૂર્ણપણે કચડાઈ ગયાં હતાં. ફ્લાયઓવર પરથી વાહનો હટાવવાની કામગીરી અને અસરગ્રસ્તોને બચાવવાની કામગીરી દરમ્યાન ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો.
અકસ્માતમાં અન્ય ૩ વ્યક્તિને ઈજાઓ થઈ હતી. તેમને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.