મુંબઈનો પહેલવહેલો એલિવેટેડ વૉકવે મલબાર હિલમાં શરૂ થયો

01 April, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધ નેસ્ટ નામનો ૪૨૭ મીટર લાંબો આ એલિવેટેડ નેચર ટ્રેલ પચીસ કરોડના ખર્ચે બન્યો છે

એલિવેટેડ નેચર ટ્રેલ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મલબાર હિલમાં તૈયાર કરેલા ‘ધ નેસ્ટ’ નામના એલિવેટેડ નેચર ટ્રેલને ગઈ કાલે મુંબઈગરા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પર્યાવરણની જાળવણી કરીને પચીસ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ૪૨૭ મીટર લાંબા આ વુડન-વૉકવેનું લોકાર્પણ રાજ્યના સ્કિલ ડેવલપમેન્ટ ઍન્ડ એમ્પ્લૉયમેન્ટ ઑન્ટ્રપ્રનરશિપ ઍન્ડ ઇનોવેશન ખાતાના પ્રધાન મંગલ પ્રભાત લોઢાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે BMCના કમિશનર-કમ-ઍડ્‍મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણી સહિતના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. મુંબઈનો આ પહેલો એલિવેટેડ નેચર વૉકવે છે. આ પ્રસંગે ભૂષણ ગગરાણીએ આ ટૂરિસ્ટ ઍટ્રૅક્શનનું યોગ્ય સંરક્ષણ કરવાનો આદેશ અધિકારીઓને આપવાની સાથે પર્યાવરણનું જતન કરવાનું પણ કહ્યું હતું.
આ વૉકવે સિંગાપોરના ‘ટ્રી ટૉપ વૉક’ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યો છે. મલબાર હિલમાં આ વૉકવેની આજુબાજુ આવેલા એક પણ વૃક્ષને કાપવામાં નથી આવ્યાં તેમ જ નૅચરલ ઇકો-સિસ્ટમને પણ કોઈ નુકસાન પહોંચાડવામાં નથી આવ્યું. 

200- આ વુડન-વૉકવે પર ઓવરક્રાઉડિંગ ન થાય એ માટે એક સમયે એના પર આટલા લોકો જ જઈ શકશે. 

100 -આ એલિવેટેડ નેચર ટ્રેલ પરથી મુંબઈગરાઓ આટલી સંખ્યાથી વધારે પ્રજાતિના પ્લાન્ટ્સ, અનેક પ્રકારનાં પક્ષી અને સરિસૃપ પ્રાણીઓ જોઈ શકશે.

ગઈ કાલે સવારે ‘ધ નેસ્ટ’ નામના એલિવેટેડ નેચર ટ્રેલનું લોકાર્પણ મંગલ પ્રભાત લોઢાના હસ્તે કરવામાં આવ્યું હતું એ પ્રસંગે BMCના કમિશનર ભૂષણ ગગરાણી પણ હાજર હતા. તસવીરો : અતુલ કાંબલે

એન્ટ્રી ફી છે? હા, ભારતીયો માટે ૨૫ રૂપિયા અને વિદેશી નાગરિકો માટે ૧૦૦ રૂપિયા એન્ટ્રી-ફી રાખવામાં આવી છે.
 
ક્યારે ખુલ્લો રહેશે? આ એલિવેટેડ નેચર ટ્રેલ રોજ સવારે પાંચથી રાતે ૯ વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
mumbai news mumbai brihanmumbai municipal corporation malabar hill mumbai travel