ડબલડેકર ફ્લાયઓવર : ઉપર મેટ્રો, નીચે વાહનો

09 August, 2022 10:16 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

કાશીમીરામાં રોડ અને મેટ્રો લાઇન માટેનો મુંબઈનો પ્રથમ ટૂ-ડેક ફ્લાયઓવર આકાર લઈ રહ્યો છે

મેટ્રો-૯ અંતર્ગત આ ડબલડેકર ફ્લાયઓવર બંધાશે (તસવીર : સાહિલ પેડણેકર)

મહાનગર માટે  પ્રથમ વાર દહિસર અને મીરા-ભાઈંદર વચ્ચેની મુંબઈ મેટ્રો લાઇન-૯ની સાથે જ બે-ડેક ફ્લાયઓવર આકાર લઈ રહ્યો છે જે રોડ ટ્રાફિકને વહન કરવાની સાથે જ એની નીચેની મેટ્રો લાઇન-૧ પર પણ કામ કરશે. આ ઉપરાંત પહેલી વાર કૉન્ટ્રૅક્ટર્સ એક સ્ટ્રેડલ કૅરિયરનો ઉપયોગ કરી રહ્યા છે જે એને બનાવવા માટે આગળ વધતા પુલ તૈયાર કરે છે.

અંધેરી-દહિસર વચ્ચે દોડતી મુંબઈ મેટ્રો લાઇન-૭ના વિસ્તરણ તરીકે તૈયાર થયેલી ૧૧.૩૮૬ કિલોમીટર લાંબી આ લાઇન પર ૧૦ સ્ટેશન હશે. મુંબઈ મેટ્રો લાઇન-૭ એપ્રિલ, ૨૦૨૨થી આંશિક રીતે કાર્યાન્વિત થઈ છે. આ લાઇન એક અનોખી લાઇન હશે, કેમ કે એ ડબલડેકર બ્રિજ પર દોડશે. પહેલા માળ પર વાહનો માટેનો ફ્લાયઓવર હશે, જ્યારે એની ઉપરના બીજા માળે મેટ્રો દોડશે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ફ્લાયઓવર પ્રસ્તાવિત શિવાજી ચોક (મીરા રોડ) મેટ્રો સ્ટેશનથી શરૂ થશે અને મીરા-ભાઈંદર રોડ થઈને ભાઈંદર-વેસ્ટમાં પૂરો થશે. આ ફ્લાયઓવર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, પશ્ચિમ રેલવે અને મુંબઈ મેટ્રો (લાઇન-૨ અને ૭)ને ઇન્ટરકનેક્ટિવિટી પૂરી પાડશે.’

કાશીગાંવ અને સુભાષચંદ્ર બોઝ ગ્રાઉન્ડ વચ્ચે કાશીમીરા રોડ પર વાહનો અને મેટ્રો ટ્રેન માટે ૧.૫ કિલોમીટર, ૧.૧ કિલોમીટર અને ૭૫૪ મીટરના આવા ડબલડેકર વાયડક્ટના ત્રણ સ્ટ્રેચ હશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

એમએમઆરડીએએ મુંબઈ મેટ્રોની સંપૂર્ણ રેડ લાઇન (લાઇન-૯, લાઇન-૭ અને લાઇન-૭એ) માટે મેઇન્ટેનન્સ ડેપો વિકસાવવા ભાઈંદર-વેસ્ટના રાઈ અને મુર્ધે વિસ્તારનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે કેટલાક ઍક્ટિવિસ્ટ અને સ્થાનિક રહેવાસીઓના વિરોધને કારણે એમએમઆરડીએને જમીન હસ્તગત કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રોજેક્ટનો ખર્ચ ૬૬૦૭ કરોડ રૂપિયા છે, જેમાં રાજ્યના કર અને ૭.૫ ટકા વાર્ષિક વૃદ્ધિનો સમાવેશ છે. આ પ્રોજેક્ટમાં આઠ કારની સ્ટાન્ડર્ડ ગેજ ટ્રેનો દોડશે.

એમએમઆરડીએના મેટ્રોપૉલિટન કમિશનર એસવીઆર શ્રીનિવાસે કહ્યું હતું કે મેટ્રો અને રોડ સાથેનો ડબલડેકર બ્રિજ લાઇન-૯ પર હશે અને એમએમઆરડીએ પ્રથમ વાર આ પ્રકારનો બ્રિજ બનાવી રહી છે. સ્ટ્રેડલ કૅરિયર ક્રેન રાતે કામ કરે છે અને એને પણ અહીં પહેલી વાર તહેનાત કરવામાં આવી છે. કામને ઝડપી બનાવવાના પ્રયાસ ચાલુ છે

mumbai mumbai news mumbai metro rajendra aklekar