11 July, 2026 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
મુંબઈની વર્ષો જૂની આઇસક્રીમની બ્રૅન્ડ કે. રુસ્તમના ચર્ચગેટ ખાતેના પાર્લરમાં બુધવારે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના ઑફિરોએ ઓચિંતી રેઇડ પાડી ત્યારે ત્યાં ભયંકર ગંદકી જોવા મળી હતી. એ વિશે માહિતી આપતાં FDAના ઑફિસરે કહ્યું હતું કે ‘ત્યાં ૧૫-૨૦ જેટલા ઉંદર હતા જે અમારા પગની વચ્ચેથી દોડાદોડી કરી રહ્યા હતા. એથી અમે ચોંકી ઊઠ્યા હતા. ત્યારે અમને એમ કહેવાયું હતું કે ઉંદરોથી ડરશો નહીં, એ તો પાળેલા છે. વળી ત્યાં બે બિલાડીઓ પણ હતી જે ગમે એ જગ્યાએ સુસુ કરતી હતી. આવા ગંદકીભર્યા વાતવારણમાં આઇસક્રીમ બનાવાઈ રહ્યો હતો અને બહાર કાઉન્ટર પરથી લોકો એ ખરીદીને ખાઈ રહ્યા હતા. ત્યાં એટલી ગંદકી હતી કે આટલી ગંદકી તો મ્યુનિસપલ હૉસ્પિટલમાં પણ નથી હોતી. આઇસક્રીમ શૉપ બહુ જ ખરાબ રીતે મેઇન્ટેઇન કરાયેલી હતી.’
જ્યાં સુધી તેઓ સુધારા નહીં કરે ત્યાં સુધી દુકાન ખોલી નહીં શકે એમ જણાવતાં FDAના ઑફિસરે વધુમાં કહ્યું હતું કે ‘ત્યાં ઘણીબધી બાબતો છે જેમાં સુધારા કરવા પડે એમ છે. ત્યાં બારીઓ ખુલ્લી છે તો અમે તેમને એના પર જાળી બેસાડવા કહ્યું છે. જ્યાં આઇસક્રીમ બની રહ્યો હતો ત્યાં જ વર્કરોનાં કપડાં પણ સુકાઈ રહ્યાં હતાં. અમે તેમને વર્કરોને કપડાં બદલવા માટે અલગ જગ્યા ફાળવવામાં આવે અને ત્યાં તેમનાં કપડાં પણ ત્યાં સુકાઈ શકે એમ જણાવ્યું છે. અમે તેમને ઉંદરો પકડવા પાંજરું મૂકવા કહ્યું છે. એન્ટ્રન્સમાં જાળીવાળી ફ્રેન્ચ વિન્ડો બેસાડવા કહ્યું છે જેથી ઉંદર ઘૂસી ન આવે. એ સિવાય તેમણે દુકાનમાં રંગકામ કરાવવા સહિત બીજા પણ ફેરફાર કરવા પડશે.’