18 September, 2025 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના અમુક મહત્ત્વના ફ્લાયઓવર અત્યારે અન્ડર-કન્સ્ટ્રક્શન છે. બાંધકામ ચાલુ હોય એવા ફ્લાયઓવર્સનું કામ ઝડપી બનાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ટાઇમલાઇન નક્કી કરી છે.
મંગળવારે ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટસ્) અભિજિત બાંગર અને ટ્રાફિક વિભાગના જૉઇન્ટ પોલીસ-કમિશનર અનિલ કુંભારે દ્વારા ફ્લાયઓવર પ્રોજેક્ટ્સની ટાઇમલાઇન નક્કી કરવામાં આવી હતી. આ ટાઇમલાઇનનો કડકપણે અમલ કરવાનો આદેશ કૉર્પોરેશન અને રેલવેના અધિકારીઓને આપવામાં આવ્યો છે.
ઈસ્ટ અને વેસ્ટને જોડતા સાયન ફ્લાયઓવરનું કામ ૨૦૨૬ની ૩૧ મે સુધીમાં પૂરું કરવાનું રહેશે. એના દક્ષિણ તરફના બ્રિજનું કામ રેલવે દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ કામ ઑગસ્ટમાં પૂરું થવાનું હતું જે ૩૧ ઑક્ટોબર સુધીમાં પૂરું થાય એવી શક્યતા છે. ત્યાર બાદ જૂના બ્રિજને તોડી પાડવામાં આવશે.
તાડદેવ, નાગપાડા અને મુંબઈ સેન્ટ્રલને જોડતા બેલાસિસ ફ્લાયઓવરના રીકન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. BMC અને રેલવેએ મળીને આ ફ્લાયઓવરનું કામ હાથ ધર્યું છે. અગાઉની ટાઇમલાઇન મુજબ આ ફ્લાયઓવરનું કામ ૨૦૨૬ના મે મહિનામાં પૂરું થવાનું હતું, પણ આ પ્રોજેક્ટ ૨૦૨૫ના ડિસેમ્બર મહિનામાં જ પૂરો થઈ જાય એવી શક્યતા છે.
વિદ્યાવિહાર સ્ટેશનને સમાંતર બની રહેલા ફ્લાયઓવરનું કામ ૨૦૨૬ના મે મહિના સુધીમાં પૂરું થશે. ફ્લાયઓવરના ઈસ્ટ તરફનું કામ ડિસેમ્બર મહિના સુધીમાં પૂરું થશે. આ પ્રોજેક્ટના અસરગ્રસ્તઓનું પુનર્વસન થાય પછીના પાંચ મહિનામાં ફ્લાયઓવરનું વેસ્ટ તરફનું કામ પૂરું કરી શકાશે.
મહાલક્ષ્મીમાં બની રહેલા મુંબઈના પ્રથમ કેબલ-સ્ટેડ બ્રિજનું કામ પૂરું કરવા માટે BMCએ ૨૦૨૬ના નવેમ્બર મહિનાની ટાઇમલાઇન સેટ કરી છે.