શરૂઆતમાં સામાન્ય લાગતી ઈજા પણ કેવાં જીવલેણ પરિણામો લાવી શકે છે એ આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની ૪ મુખ્ય સરકારી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના આંકડા મુજબ એપ્રિલથી ઑક્ટોબર ૨૦૨૬ના ૭ મહિનાના ગાળામાં ડૉગ-બાઇટના કુલ ૧૬,૭૧૯ કેસ નોંધાયા છે. ચોંકાવનારી બાબત એ છે કે આમાંથી ૬૦૮૦ કેસ અત્યંત ગંભીર ગણાતી ‘કૅટેગરી-૩’ શ્રેણીના છે જે કુલ કેસના ૩૬ ટકા જેટલા થાય છે. આ આંકડા સામે આવ્યા બાદ શહેરમાં રેબીઝ વિરોધી સારવારની ઉપલબ્ધતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે શ્વાન કરડવાથી કે નખ વાગવાથી ચામડી છોલાય કે લોહી નીકળે ત્યારે જીવલેણ હડકવાના ચેપથી બચવા માટે તાત્કાલિક સારવાર લેવી અનિવાર્ય છે. ડિસેમ્બર ૨૦૨૫માં થાણેની એક ૬ વર્ષની બાળકીને રખડતા શ્વાને બચકું ભર્યાના એક મહિના કરતાં વધુ સમય બાદ હડકવા થવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. શરૂઆતમાં સામાન્ય લાગતી ઈજા પણ કેવાં જીવલેણ પરિણામો લાવી શકે છે એ આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે.
સાયન હૉસ્પિટલમાં સૌથી વધુ ૮૩૩૯ કેસ, જે. જે. હૉસ્પિટલમાં ૮૫ ટકા દરદીઓને ગંભીર ઈજા
કુલ ૧૬,૭૧૯ કેસમાંથી સાયનની લોકમાન્ય તિલક મ્યુનિસિપલ જનરલ હૉસ્પિટલમાં સૌથી વધુ ૮૩૩૯ કેસ નોંધાયા હતા જેમાં ૨૦૮૦ કૅટેગરી-૩ના ગંભીર કેસ સામેલ છે. ત્યાર બાદ કિંગ એડવર્ડ મેમોરિયલ (KEM) હૉસ્પિટલમાં ૪૯૮૪ કેસ; જે. જે. હૉસ્પિટલમાં ૨૨૭૪ કેસ અને નાયર હૉસ્પિટલમાં ૧૧૨૨ કેસ નોંધાયા હતા. જે. જે. હૉસ્પિટલમાં આવેલા ૨૨૭૪ દરદીઓમાંથી ૧૯૨૪ દરદી કૅટેગરી-૩ના હતા જે ત્યાંના કુલ કેસના લગભગ ૮૫ ટકા જેટલું ઊંચું પ્રમાણ દર્શાવે છે. આ ઉપરાંત KEM હૉસ્પિટલમાં ૧૫૭૬ અને નાયર હૉસ્પિટલમાં ૫૦૦ ગંભીર કેસ નોંધાયા હતા.