18 July, 2026 01:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાંદિવલી-ઈસ્ટમાં કારશેડની પાછળ આવેલી ડિફેન્સની કૉલોની
કાંદિવલીમાં ૬૫ એકર જમીનના વિવાદને કારણે લૉન્ગ ડિસ્ટન્સ ટ્રેનના મુંબઈના સૌથી મોટા રેલવે-ટર્મિનસની કેન્દ્રની યોજના અટકી ગઈ છે. જો આ ટર્મિનસ તૈયાર થાય તો ૫૦ જોડી ટ્રેનોને હૅન્ડલ કરી શકાશે, જેને લીધે અન્ય ટર્મિનસ પર ભીડ ઓછી થાય અને મુંબઈની રેલક્ષમતામાં વધારો કરી શકાય. જોકે જમીન-ટ્રાન્સફરની મંજૂરીઓ હજી બાકી છે.
કાંદિવલીમાં મુંબઈનું સૌથી મોટું લાંબા અંતરનું રેલવે-ટર્મિનસ બનાવવાની કેન્દ્રની યોજના કાંદિવલી (પોઇસર)ના મહત્ત્વપૂર્ણ જમીનના પાર્સલ અંગે રેલવે અને ડિફેન્સ મિનિસ્ટ્રી વચ્ચેના વિવાદને કારણે અટકી ગઈ છે.
સેન્ટ્રલ ઑર્ડનન્સ ડેપો, સ્ટાફ ક્વૉર્ટર્સ અને સંરક્ષણ કચેરીઓ દ્વારા કબજે કરાયેલી આ જગ્યામાં એક મોટો ખાલી પ્લૉટ પણ સામેલ છે. રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે એ ૪૮થી ૫૦ જોડી લાંબા અંતરની ટ્રેનોને હૅન્ડલ કરવા સક્ષમ ટર્મિનલ માટે યોગ્ય છે, જે લગભગ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)સાથે મેળ ખાય છે.
કાંદિવલીના આ ટર્મિનસ બાબતે એક વરિષ્ઠ રેલવે-અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ જમીન મેગા ટર્મિનલ માટેની જરૂરિયાતને પૂર્ણ રીતે પૂરી કરે છે. પશ્ચિમ મુંબઈ મેટ્રોપૉલિટન ક્ષેત્રના મુસાફરોને મુંબઈ સેન્ટ્રલ અથવા બાંદરા સુધી લાંબા નહીં થવું પડે.’
રેલવે ઘણાં વર્ષોથી જમીન ટ્રાન્સફર માટે પ્રયાસો કરી રહી છે, પરંતુ ડિફેન્સ મિનિસ્ટ્રી સંમત થતી નથી. ૨૦૨૫ની ૧૧ ફેબ્રુઆરીએ સંયુક્ત નિરીક્ષણ દરમ્યાન ફક્ત બે રેલવે-અધિકારીઓને પરિસરમાં અંદર જવાની મંજૂરી આપવામાં આવી હતી. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની પાસે જમીન માટે ભવિષ્યની યોજનાઓ છે.
રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને તાજેતરમાં પ્રસ્તાવિત લેઆઉટ બતાવવામાં આવ્યો હતો. અશ્વિની વૈષ્ણવે વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેને મુંબઈની ટ્રેન-હૅન્ડલિંગ ક્ષમતા પચાસ ટકા વધારવાનો પણ નિર્દેશ આપ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જો કાંદિવલી ટર્મિનસ બન્યું તો એ ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને અન્ય ઉત્તરીય રાજ્યોમાં જતી ટ્રેનો પર વેઇટિંગ લિસ્ટ હળવું કરશે; જ્યારે મુંબઈ સેન્ટ્રલ, બાંદરા ટર્મિનસ, લોકમાન્ય ટિળક ટર્મિનસ અને CSMT પરનું પ્રેશર ઘટાડશે.
બાંધકામ હેઠળના જોગેશ્વરી ટર્મિનસમાં ફક્ત ૧૨ વધારાની લાંબા અંતરની ટ્રેનો હૅન્ડલ થવાની અપેક્ષા છે, જેને કારણે કાંદિવલી પૂર્ણ સ્તરના ટર્મિનલ માટે એકમાત્ર યોગ્ય વિકલ્પ જણાઈ રહ્યો છે.