22 August, 2026 09:21 AM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
સતત ભાગદોડ, લોકલ ટ્રેનની ગિરદી અને સતત મોબાઇલ કે લૅપટૉપની સ્ક્રીન સામે સમય વિતાવતા મુંબઈગરાએ ક્યારેય વિચાર્યું છે કે આ જ ધમધમતા શહેરમાં એવું પણ સ્થળ છે જ્યાં પહોંચીને તમારી લાઇફસ્ટાઇલ સ્લો થઈ શકે છે? ગોરેગામસ્થિત મુંબઈનું ગ્રીન લંગ કહેવાતા આરે ફૉરેસ્ટમાં ચોમાસા દરમ્યાન યુનિક ઇવેન્ટ્સ થાય છે જેના વિશે મોટા ભાગના મુંબઈગરા અજાણ છે. વરસાદી મોસમમાં ડિજિટલ વર્લ્ડમાંથી બહાર નીકળીને સોળે કળાએ ખીલેલી પ્રકૃતિની સુંદરતાને માણવા માટે આરેમાં વિલેજ વૉકનું આયોજન થાય છે. ધ નૅચરલિસ્ટ એક્સપ્લોરર દ્વારા આયોજિત થતા આ કાર્યક્રમ વિશે નેચર એક્સપર્ટ પ્રિયલ સોનીએ વિગતે માહિતી
આપી છે.
શું છે આ ઇવેન્ટ?
વીક-એન્ડમાં મૉલ કે કૅફેમાં સમય વિતાવવાને બદલે કંઈક નવું અર્થપૂર્ણ અને રોમાંચક કરવું હોય તો ૨૩ ઑગસ્ટે અને ૩૦ ઑગસ્ટે સવારે આઠ વાગ્યાથી આરે ખાતે યોજાનારી આ વન-ડે ઇવેન્ટ તમને પ્રકૃતિની નજીક લાવશે. આ ઇવેન્ટનું સૌથી મોટું અને ખાસ આકર્ષણ છે કાદવ-કીચડથી ભરેલાં ખેતરોમાં જાતે ઊતરીને ચોખા રોપવાનો અનુભવ.
આપણી થાળીમાં આવતા ભાત કે ચોખા સુપરમાર્કેટના પૅકેટમાંથી નહીં, ખેડૂતોના ભારે પરસેવા અને કઠિન પરિશ્રમમાંથી આવે છે. આદિવાસી મહિલાઓના માર્ગદર્શન હેઠળ જ્યારે તમે પોતાના હાથે કાદવમાં ચોખાના છોડ વાવશો ત્યારે તમને અન્ન બનાવવા પાછળની મહેનતનો અહેસાસ થશે. કેમિકલયુક્ત સ્પામાં જવાને બદલે ચોમાસાની શુદ્ધ માટીમાં પગ મૂકવો અને માટીનો સ્પર્શ અનુભવવો એ મન અને શરીર માટે સૌથી મોટો કુદરતી ઉપચાર છે.
શું જોવા અને જાણવા મળશે?
સામાન્ય રીતે મુંબઈગરાઓને એમ જ હોય છે કે આરેમાં માત્ર દૂધની ડેરી કે વૃક્ષો જ છે; પણ અહીં આવતા મુલાકાતીઓને જોવા મળશે કે આરેમાં કાજુ, ફણસ, કેરી, સરગવો જેવાં અનેક ફળ-ઝાડ અને ભીંડા જેવી વિપુલ પ્રમાણમાં શાકભાજી ઊગે છે.
આરેના આદિવાસી વિસ્તારોમાં ફરીને તેમની સદીઓ જૂની જીવનશૈલી, પ્રકૃતિ સાથે રહેવાની રીત અને તેમની સંસ્કૃતિ જાણવા મળશે. એની સાથે જ કેળના પાન પર કે દેશી પતરાળા પર તાજી રાનભાજી, પીટલી-ભાખરી અને ગરમાગરમ ચાનો અસલી દેશી સ્વાદ માણવા મળશે.
શું વૅલ્યુ ઍડ થશે?
સતત ટ્રાફિક અને કામના તનાવ વચ્ચે સવારના સમયે ખુલ્લી હવામાં, ઝાડના છાંયડા નીચે બેસીને સમય વિતાવવાથી મન શાંત થાય છે અને માનસિક થાક ઊતરી જાય છે.
બાળકો પુસ્તકો કે ટીવીમાં જે ખેતી વિશે વાંચે છે એ અહીં પ્રત્યક્ષ અનુભવી શકશે. માટી અને પ્રકૃતિ સાથે રમવાથી બાળકોમાં વિજ્ઞાન-આધારિત સ્કિલ્સનો વિકાસ થાય છે.
મુંબઈગરાઓ જ્યારે જાતે જોશે કે આરેનું જંગલ આપણા શહેરને કેટલું ઉપયોગી છે ત્યારે જ તેમનામાં આ લીલોતરીને સાચવવાની અને પર્યાવરણના સંરક્ષણની સાચી ભાવના જન્મ લેશે.
શા માટે ભાગ લેવો જોઈએ?
રૂટીન વીક-એન્ડ પ્લાન્સ જેવા કે સિનેમા, મૉલ કે રેસ્ટોરાંના ખર્ચ સામે ૮૫૦ રૂપિયાની ફીમાં મળતો આ અનુભવ તમને આજીવન યાદ રહી જાય એવો છે. આ ઇવેન્ટ માત્ર એક ટૂર નથી, મુંબઈના વાસ્તવિક ગ્રીન લંગ સાથે જોડાવાની અને આપણા અન્નદાતાઓને માન આપવાની એક અનોખી તક છે.
જોડાવા માટે સંપર્ક : 8976451433
naturalistex@gmail.com