સતત બીજા દિવસે મુંબઈમાં ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શનો થયાં

22 July, 2026 07:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગિરગામ, ડોંગરી સહિતના વિસ્તારોમાં વિરોધ પક્ષો ઊતર્યા CJPના સમર્થનમાં

દિલ્હીના જંતરમંતરમાં આંદોલનકારીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં શિવસેના (UBT) દ્વારા પ્લૅકાર્ડ્‍સ લઈને મોં પર કાળી પટ્ટી બાંધીને પ્રદર્શન કરાયું હતું.

સોમવાર બાદ મંગળવારે પણ મુંબઈમાં વિવિધ ઠેકાણે સામાજિક કાર્યકર તથા શિક્ષણશાસ્ત્રી સોનમ વાંગચુક તથા કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સમર્થનમાં વિરોધ-પ્રદર્શન અને આંદોલનો શરૂ જ હતાં. આંદોલન દરમ્યાન વિરોધ પક્ષોએ નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ–અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ના પેપર-લીક કેસમાં કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરી હતી. 

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા દાદરના શિવાજી પાર્કમાં તેમના કાર્યકરો સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં MNSના અધ્યક્ષ રાજ ઠાકરેનાં પત્ની શર્મિલા ઠાકરેએ પણ ભાગ લીધો હતો. શિવસેના (UBT) દ્વારા ડોંગરી તથા ગિરગામમાં CJP અને સોનમ વાંગચુકના સમર્થનમાં અને દિલ્હી પોલીસ દ્વારા આંદોલનકારીઓ પર કરાયેલા લાઠીચાર્જના વિરોધમાં પ્રદર્શન યોજાયું હતું.

ડોંગરીમાં શિવસેના (UBT) દ્વારા NEET-UGના પેપર-લીક બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓ માટે પ્રાર્થનાસભાનું આયોજન પણ કરાયું હતું. 

ચેમ્બુરમાં સ્થાનિકો દ્વારા દિલ્હીના આંદોલનકારીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા માટે આંદોલન કરાયું હતું. સિદ્ધાર્થ કૉલોનીના રહેવાસીઓ દ્વારા કઢાયેલા મોરચા દ્વારા અત્યંત વ્યસ્ત એવા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને બ્લૉક કરવાનો પ્રયત્ન કરાતાં આ વિસ્તારમાં થોડો વખત તનાવનો માહોલ સર્જાયો હતો. પોલીસે મોરચામાં સામેલ થનારાઓને રોકવાનો પ્રયાસ કરતાં થોડો વખત ગરમાગરમીનો માહોલ ઊભો થયો હતો. 

દાદરના શિવાજી પાર્કમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા યોજાયેલા વિરોધ-પ્રદર્શન દરમ્યાન કાર્યકર્તાઓ સાથે હાજર રાજ ઠાકરેનાં પત્ની શર્મિલા ઠાકરે અને MNSના નેતા સંદીપ દેશપાંડે. તસવીરો : અતુલ કાંબળે

CJPના પ્રદર્શનમાં જેમની વિરુદ્ધ FIR દાખલ થયો છે તેમને શિવસેના (UBT) કાયદાકીય સહાય આપશે

મંગળવારે સતત બીજા દિવસે વિરોધ પક્ષો દ્વારા મુંબઈમાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સમર્થનમાં પ્રદર્શનો યોજાયાં હતાં. શિવસેના (UBT)એ પણ મંગળવારે ડોંગરી વિસ્તારમાં વિરોધ-પ્રદર્શન યોજ્યું હતું. આ ઉપરાંત સોમવારે પરવાનગી વગર પ્રદર્શન યોજવા અને કાયદો અને વ્યવસ્થા બગાડવા માટે ૯૦૦થી વધુ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે તેમને બધાને કાયદાકીય સહાય આપવાની જાહેરાત શિવસેના (UBT)ના નેતા તથા વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ કરી હતી. અત્યાર સુધીમાં ૧૦૦ કરતાં વધુ લોકોની આંદોલનમાં સહભાગી થવા બદલ અટકાયત કરવામાં આવી હતી અને એ બધાને જ કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવશે એમ આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું. તેમણે લોકોને આંદોલનમાં સહભાગી થનારા વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓને ટેકો આપવાનું આહ્‍વાન પણ કર્યું હતું.

મુંબઈમાં CJPના સમર્થનમાં આંદોલન કરનારા ૯૦૦ જણ વિરુદ્ધ FIR નોંધાયા

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સમર્થનમાં મુંબઈમાં શિવાજી પાર્ક ઉપરાંત અન્ય સ્થળોએ કરવામાં આવેલા પરવાનગી વિનાના વિરોધ-પ્રદર્શન બદલ શહેરનાં ૮ પોલીસ-સ્ટેશનોમાં ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં ૯૦૦થી વધુ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કાયદો અને વ્યવસ્થાનો ભંગ તથા પરવાનગી વગર 
વિરોધ-પ્રદર્શન કરવા બદલ FIR દાખલ કરવામાં આવ્યો છે. 
૮ પોલીસ-સ્ટેશનમાં ગુના દાખલ થયા
 સૌપ્રથમ FIR દાદરની ચૈત્યભૂમિમાં કરાયેલા પ્રદર્શનમાં સામેલ થયેલા ૫૦ જણ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો. 
 સૌથી વધુ કેસ ૬૦૦ જણ વિરુદ્ધ શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવ્યા હતા. 
 માહિમ પોલીસ-સ્ટેશનમાં પણ ૧૦૦ જણ​ વિરુદ્ધ કેસ નોંધાયા.
 ૭૦ જણ વિરુદ્ધ દાદર 
પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધાયા.
 વરલી પોલીસ-સ્ટેશનમાં ૨૧ જણ વિરુદ્ધ કેસ નોંધાયા.
 કાલાચૌકી પોલીસ-સ્ટેશનમાં ૨૦ જણ વિરુદ્ધ કેસ નોંધાયા.
 ભોઈવાડા પોલીસ-સ્ટેશનમાં ૨૦ જણ સામે કેસ નોંધાયા.
 વડાલા ટીટી પોલીસ-સ્ટેશનમાં પચીસ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં સંસદકૂચ દરમ્યાન ‘મારો સર, મારો સર, મારો સર, માર ડાલો’: પોલીસની લાઠી વખતે આવું બોલીને છવાઈ ગયેલો યુવાન નાગપુરનો

દિલ્હીમાં જંતરમંતરથી સંસદકૂચ દરમ્યાન પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે અથડામણ થઈ અેના અનેક વિડિયો વાઇરલ થયા એમાંથી એક ‌વિડિયોને ઇન્ટરનેટ પર ખૂબ જ પ્રતિસાદ મળ્યો હતો જેમાં એક યુવકને પોલીસ બૅટનથી મારી રહી છે અને તે ઊભો રહીને ‘મારો સર, મારો સર, મારો સર, માર ડાલો, માર ડાલો’ એમ કહેતો હોય છે. એ યુવક નાગપુરનો ૨૭ વર્ષનો ભારત બનાઇત હોવાનું જાણવા મળ્યું છે. ભારત માસ્ટર ઑફ કૉમર્સ (MCom)નો વિદ્યાર્થી છે. ભારતે કહ્યું હતું કે તેણે નાગપુરમાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શનનો પૂરો કારભાર સંભાળ્યો હતો અને દિલ્હીમાં સંસદકૂચના આયોજનમાં પણ તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેનાં માતા-પિતાએ પણ વિડિયોના વાઇરલ થયા બાદ પોલીસ દ્વારા તેના પર થયેલા અત્યાચાર પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. તેમના મતે તે બાજુમાં ઊભો હોવા છતાં તેના પર પોલીસે વારંવાર પ્રહારો કર્યા હતા.

વંચિત બહુજન આઘાડી દ્વારા ૨૩ જુલાઈએ મહારાષ્ટ્ર બંધનું એલાન

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સમર્થકો દ્વારા યોજાયેલા ચલો સંસદ મોરચામાં સોમવારે પોલીસ દ્વારા ટિયરગૅસ છોડવાની અને લાઠીચાર્જ કરવાની ઘટના બાદ તેમના સમર્થનમાં મહારાષ્ટ્રમાં વંચિત બહુજન આઘાડી (VBA)એ બંધની જાહેરાત કરી છે. VBA દ્વારા ૨૩ જુલાઈએ મહારાષ્ટ્ર બંધનું એલાન આપવામાં આવ્યું છે. પોલીસે શાંતિપૂર્ણ મોરચો કાઢનારાઓ પર અત્યાચાર કર્યો હોવાનું અને પોલીસ દ્વારા દાદાગીરી થતી હોવાનું કહીને VBAના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે બધાને ૨૩ જુલાઈના બંધમાં ભાગ લેવાનું આહવાન કર્યું હતું. 

mumbai news mumbai raj thackeray aaditya thackeray shiv sena maharashtra navnirman sena Sonam Wangchuk neet exam political news indian politics uddhav thackeray indian government cockroach janata party mumbai police