12 October, 2026 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાકીનાકાના સફેદ પુલ નજીક રહેતા ૭૯ વર્ષના ભારતીય વાયુસેના અને ઍર ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારીએ ઉધરસની માત્ર ૧૬ રૂપિયાની ગોળીઓ ખરીદીને ઑનલાઇન પેમેન્ટ કર્યા બાદ તેમના બૅન્ક-ખાતામાંથી અને ક્રેડિટ કાર્ડમાંથી રહસ્યમય રીતે ૧૧,૫૦,૯૪૬ રૂપિયા ઊપડી ગયા હતા. સાકીનાકા પોલીસે આ મામલે શુક્રવારે અજ્ઞાત આરોપી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પેમેન્ટ સફળ થયાનો મેસેજ આવ્યાના થોડા જ સમયમાં તેમના મોબાઇલ પર નેટ બૅન્કિંગમાં નવું Payee ઉમેરાયાનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ તરત જ તેમના બૅન્ક-ખાતામાંથી પૈસા ઊપડી ગયા હતા. આ કેસમાં ફરિયાદીના ખાતામાંથી કઈ રીતે પૈસા ઊપડ્યા એ શોધવા માટે સ્થાનિક પોલીસ સાથે ટેક્નિકલ ટીમ તપાસે લાગી છે.
શું હતો ઘટનાક્રમ?
સાકીનાકામાં રહેતા ભારતીય વાયુસેના અને ઍર ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી ૬ ઑક્ટોબરે સફેદ પુલ ખાતે આવેલી શાકભાજી માર્કેટની એક દુકાનમાંથી ઉધરસની દવા લેવા ગયા હતા.
તેમણે દુકાનદારને ગૂગલપે મારફત માત્ર ૧૬ રૂપિયાનું ઑનલાઇન પેમેન્ટ કર્યું હતું. પેમેન્ટ સફળ થયાના થોડા જ સમયમાં તેમના મોબાઇલ પર નેટ બૅન્કિંગમાં નવું Payee ઉમેરાયાનો સંદેશ મળ્યો હતો.
ત્યાર બાદ તરત જ તેમના બૅન્ક-ખાતામાંથી ૧,૫૧,૦૦૦ રૂપિયા ગેરકાયદે રીતે ટ્રાન્સફર થઈ ગયા હતા. ઘરે આવીને તપાસ કરતાં અને બૅન્કના કસ્ટમર કૅરનો સંપર્ક કર્યા બાદ જાણવા મળ્યું કે તેમના ક્રેડિટ કાર્ડનો પણ દુરુપયોગ થયો હતો.
માત્ર એક જ દિવસમાં તેમના ક્રેડિટ કાર્ડમાંથી કુલ ૧૧ અલગ-અલગ ટ્રાન્ઝૅક્શન મારફત ૯,૯૯,૯૪૬ રૂપિયાની રકમ ઉપાડી લેવામાં આવી હતી. બૅન્ક-અકાઉન્ટમાંથી ૧,૫૧,૦૦૦ રૂપિયા અને ક્રેડિટ કાર્ડ દ્વારા ૯,૯૯,૯૪૬ રૂપિયા એમ મળી કુલ ૧૧,૫૦,૯૪૬ રૂપિયા ઊપડી ગયા હોવાની માહિતી સામે આવતાં ફરિયાદીના પરિવારે બૅન્ક-અકાઉન્ટ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તરત બ્લૉક કરાવવી દીધાં હતાં.
ત્યાર બાદ સાઇબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સાકીનાકા પોલીસે શુક્રવારે અજ્ઞાત આરોપી સામે ટેક્નૉલૉજી અને કમ્પ્યુટર સિસ્ટમનો દુરુપયોગ કરીને આચરેલી છેતરપિંડી બદલ ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આ કેસમાં સાઇબર ટીમ પણ તપાસ કરી રહી છે.