01 April, 2025 07:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છેતરપિંડીનો ભોગ બનેલા મુકેશ શાહ.
નવા કાયદા પ્રમાણે પાન ખાવું એ મોટો ગુનો છે, તમે પાન ખાતાં રંગેહાથ ઝડપાયા છો એટલે તમારે ૬ મહિના જેલમાં રહેવું પડશે એમ ધમકાવીને મલાડ-ઈસ્ટના કિશન રોડ પરની એક સોસાયટીમાં રહેતા ૭૫ વર્ષના મુકેશ શાહ પાસેથી ચાર જણે ૫૦૦૦ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ મલાડ પોલીસ-સ્ટેશનમાં રવિવારે નોંધાઈ હતી. શનિવારે સવારે મુકેશભાઈ અંગત કામસર મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમના ખિસ્સામાં હાથ નાખીને જબરદસ્તી પૈસા કાઢી લીધા હતા એટલું જ નહીં, તાત્કાલિક બીજા ૧૫,૦૦૦ રૂપિયા નહીં આપો તો ૬ મહિના જેલમાં રહેવું પડશે એમ કહીને તેમને ધમકાવવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે નજીકના વિસ્તારોમાંના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પરથી આરોપીની ઓળખ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મોટરસાઇકલ પર આવેલા ચાર જણે મને ધમકાવ્યો હતો એટલું જ નહીં, મારા ખિસ્સામાં હાથ નાખીને મારા અંગત કામ માટે રાખેલા પૈસા છીનવી લીધા હતા એમ જણાવતાં મુકેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારી બહેનના ઘરે રહીને નાનું-મોટું છૂટક કામ કરીને મારું ગુજરાન ચલાવું છું. શનિવારે સવારે હું સ્કૂટર પર કાંદિવલીના મજેઠિયા નગર જઈ રહ્યો હતો ત્યારે નટરાજ માર્કેટ નજીક રાધેશ્યામ પાનવાળા પાસે પાન લઈને મોઢામાં નાખી હું આગળ વધ્યો એ દરમ્યાન પાછળથી બે જણ મોટરસાઇકલ પર આવ્યા હતા અને તેમણે મને સ્કૂટર ઊભું રાખવાનું કહ્યું. તેમણે મને સવાલ કર્યો કે તમારા મોઢામાં શું છે? મેં મારા મોઢામાં પાન હોવાનું કહ્યું એટલે તેમણે મને પોલીસ-સ્ટેશન આવવાનું કહ્યું. મે સવાલ કર્યો તો તેમણે કહ્યું કે નવા કાયદા પ્રમાણે પાન ખાવું સૌથી મોટો ગુનો છે. આનાથી દરરોજ અનેક લોકો મરી રહ્યા છે એમ કહીને સ્કૂટર આગળ લેવાનું કહ્યું. એટલી વારમાં બીજા બે યુવકો મોટરસાઇકલ પર આવ્યા હતા જેમાંના એકે મને ૨૫,૦૦૦ રૂપિયા આપીને મૅટર રફેદફે કરવાનું સમજાવ્યું હતું. એની સામે મેં પૈસા ન હોવાનું કહેતાં એકે મારા ખિસ્સામાં હાથ નાખીને ૫૦૦૦ રૂપિયા જબરદસ્તી કાઢી લીધા હતા. એ ઉપરાંત ધમકાવીને બીજા ૧૫,૦૦૦ રૂપિયા તાત્કાલિક આપવા જણાવ્યું હતું. એ સમયે મેં મારી બહેનને ફોન કરીને ઘટનાની જાણ કરતાં મારી નજીક ઊભેલા ચાર યુવકો મોટરસાઇકલ પર નાસી ગયા હતા. આ ઘટનાથી હું ઘણો ગભરાઈ ગયો હતો એટલે મેં બીજા દિવસે પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.’
આ મામલે આરોપીની ઓળખ થઈ છે જેની અમે તપાસ કરી રહ્યા છીએ એમ જણાવતાં મલાડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓએ પાન ખાવાના મુદ્દે સિનિયર સિટિઝનને ધમકાવીને પૈસા પડાવી લીધા હતા. અમે આરોપીઓની શોધખોળ કરી રહ્યા છીએ.’