22 November, 2025 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદેની ફાઇલ તસવીર
થાણેમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ફરી એક વાર તનાવ સામે આવ્યો છે. અહીંની શિવસેનાની શાખાના પ્રમુખે આરોપ મૂક્યો હતો કે BJPના ભૂતપૂર્વ કૉર્પોરેટર નારાયણ પવાર દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
બેઝિક સર્વિસિસ ફૉર અર્બન પુઅર (BSUP)નાં બિલ્ડિંગ્સ માટે રજિસ્ટ્રેશન-ફી ઘટાડીને માત્ર ૧૦૦ રૂપિયા કરી દેવામાં આવી હોવાની જાહેરાત બે દિવસ પહેલાં કરવામાં આવી હતી. આ નિર્ણય એકનાથ શિંદે દ્વારા કરવામાં આવ્યો હોવાથી થાણેના શિવસૈનિકો આ નિર્ણયની ઉજવણી કરવા માટે BSUP બિલ્ડિંગ પાસે પહોંચ્યા હતા. ત્યાં ઉજવણી દરમ્યાન નારાયણ પવારે કથિત રીતે શાખાપ્રમુખ હરેશ મહાડિક અને કાર્યકર્તા મહેશ લહને પર હુમલો કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઘટના પછી બન્ને નેતાઓ અન્ય કાર્યકર્તાઓ સાથે ફરિયાદ નોંધાવવા માટે નૌપાડા પોલીસ-સ્ટેશન ગયા હતા. એવું જાણવા મળ્યું હતું કે ઔપચારિક ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ મુદ્દે BJPના નારાયણ પવારે શું કહ્યું?
નારાયણ પવારે હાથાપાઈના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે ‘અમે ત્યાંના રહેવાસીઓને અભિનંદન આપવા ગયા હતા, કારણ કે તેમની પાસેથી એક ટકો સ્ટૅમ્પ-ડ્યુટી વસૂલ કરવામાં આવવાની હતી, પણ હવે એ માત્ર ૧૦૦ રૂપિયા થશે. મેં એ ૧૮૫ પરિવારો માટે ખૂબ મહેનત કરી હતી. એ સમયે કોઈ આવ્યું નહોતું. હવે તેઓ સ્ટન્ટ કરવા માટે આવ્યા હતા. જોકે મેં કોઈને માર માર્યો નથી. કેટલાક લોકો ખોટી માહિતી આપીને કેસ દાખલ કરી રહ્યા છે.’
નારાયણ પવારે એવો દાવો પણ કર્યો હતો કે ‘અમે ગઠબંધનમાં છીએ. નરેશ મ્હસ્કે જ્યારે સંસદસભ્ય બનવા માટે ઊભા હતા ત્યારે અમે તેમના માટે પ્રચાર કર્યો હતો.’