Mumbai Shocker: પૈસા માટે ૧૩ મહિનાના પુત્રને વેચી નાખ્યો, પછી તેના મોતનું નાટક રચ્યું

10 August, 2026 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Shocker: પોતાના ૧૩ મહિનાના પુત્રને ૧.૦૫ લાખમાં વેચી દેવા અને બાળકનું અકસ્માતે પડી જવાથી મોત થયું હોવાનો ખોટો દાવો કરવા બદલ મુંબઈ પોલીસે ધારાવીના દંપતી સામે ગુનો નોંધ્યો; શંકાસ્પદ વચેટિયા મહિલાની અટકાયત કરી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ (Mumbai)ના ધારાવી (Dharavi) વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. પોલીસે પોતાના ૧૩ મહિનાના પુત્રને કથિત રીતે રુપિયા ૧.૦૫ લાખમાં વેચી દેવા અને બાળકનું અકસ્માતે પડી જવાથી મોત થયું હોવાનું જૂઠું નાટક રચવા બદલ પતિ-પત્ની સામે ગુનો નોંધ્યો છે. મુંબઈ પોલીસ (Mumbai Police)એ આ મામલે એક શંકાસ્પદ વચેટિયા મહિલાની અટકાયત કરી છે અને ગુમ થયેલા બાળકને (Dharavi couple sells 13-month-old son) શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.

બાળકના મોતના દાવા બાદ મામાને શંકા ગઈ

એફઆઈઆર (FIR) અનુસાર, આ ફરિયાદ ગોરેગામ (Goregaon) ના ૩૯ વર્ષીય સિક્યુરિટી ગાર્ડ સની સિંહે નોંધાવી છે, જેઓ બાળકની માતા રોલીના ભાઈ છે.

સિંહે પોલીસને જણાવ્યું કે, ૬ ઓગસ્ટના રોજ રોલીએ તેમની માતાને ફોન કરીને દાવો કર્યો હતો કે વરસાદમાં બાળકના હાથમાં હોવા દરમિયાન તેનો પગ લપસી ગયો હતો. જેના કારણે બાળક તેના હાથમાંથી નીચે પડી ગયું હતું અને માથામાં ગંભીર ઈજા થતાં તેને સાયન હોસ્પિટલ (Sion Hospital) માં લઈ જવામાં આવ્યું છે.

જોકે, જ્યારે સિંહ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને રોલી, તેનો પતિ સંદીપ કે બાળક ત્યાં મળ્યા નહોતા. દંપતીના મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતા હતા. બાદમાં સંદીપે સિંહનો સંપર્ક કર્યો અને તેમને ધારાવી સ્થિત પોતાના ઘરે બોલાવ્યા. ત્યાં પહોંચતા દંપતીએ તેમને જણાવ્યું કે બાળકનું મોત થયું છે અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાયન હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.

દંપતીએ ૧૩ મહિનાના પુત્રને રુપિયા ૧.૦૫ લાખમાં વેચી દીધો

ધારાવીના દંપતીની વાત પર સિંહને શંકા ગઈ અને તેમણે બીજા દિવસે ફરીથી તેમની કડક પૂછપરછ કરી. ફરિયાદ અનુસાર, ત્યારે રોલીએ ખુલાસો કર્યો હતો કે બાળકનું મોત થયું નથી પરંતુ ૨ ઓગસ્ટના રોજ રાની નામની મહિલાને રુપિયા ૧.૦૫ લાખમાં વેચી દેવામાં આવ્યું છે.

આ ચોંકાવનારા ખુલાસા બાદ સિંહ દંપતીને લઈને ધારાવી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ દ્વારા ગુમ થયેલા બાળકની શોધખોળ શરૂ

ધારાવી પોલીસે જુવેનાઇલ જસ્ટિસ, કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ (Juvenile Justice, Care and Protection of Children Act) અને ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ કથિત સોદામાં વચેટિયા તરીકે કામ કરનાર એક શંકાસ્પદ મહિલાની પણ અટકાયત કરવામાં આવી છે.

પોલીસ હાલ ૧૩ મહિનાના બાળકને શોધી કાઢવા અને બાળકના વેચાણ પાછળના સંજોગો તથા તેમાં સામેલ લોકોની ભૂમિકા અંગે વધુ તપાસ ચલાવી રહી છે. સમગ્ર મામલાની તપાસ ચાલુ છે અને બાળકનો પતો લગાવવા પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

dharavi Crime News mumbai crime news mumbai police mumbai mumbai news goregaon