ડિસેમ્બરમાં મેટ્રો 2Bનો પહેલો ફેઝ શરૂ થશે

15 October, 2025 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માનખુર્દના મંડાલેથી ડાયમન્ડ ગાર્ડન સુધી ટ્રાયલ રન શરૂ, મે મહિના સુધીમાં દહિસરથી ખાર સુધીની લાઇન પણ શરૂ થવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈનાં ઈસ્ટર્ન અને વેસ્ટર્ન સબર્બને જોડતી યલો લાઇન મેટ્રો 2Bનું કામ પૂરું થવાના આરે છે.  માનખુર્દના મંડાલેથી ડી. એન. નગર સુધી દોડનારી મેટ્રો 2Bનો પહેલો ફેઝ ડિસેમ્બરમાં શરૂ થવાની શક્યતા છે. મંડાલેથી ડાયમન્ડ ગાર્ડન સુધીના ૫.૩ કિલોમીટરના સ્ટ્રેચ પર અત્યારે ટ્રાયલ રન હાથ ધરવામાં આવી છે.

મેટ્રો 9 સાથે ઇન્ટિગ્રેશન માટે મેટ્રો 2A અને 7 લાઇનના ટાઇમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મેટ્રો રેલ સેફ્ટી કમિશનર (CMRS)એ મેટ્રો 2-Bના પહેલા ફેઝ માટે જરૂરી મંજૂરીઓ આપી છે. ૧૦,૯૮૬ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટની સમયમર્યાદા અનેક વાર ચૂકી ગયા બાદ કન્સ્ટ્રક્શનમાં પણ અડચણોનો સામનો કરવો પડ્યો છે. શરૂઆતમાં ૨૦૨૨ના ઑક્ટોબર સુધીમાં આ કૉરિડોરનું કામ પૂર્ણ થવાનું હતું પરંતુ કૉરિડોર કૉન્ટ્રૅક્ટરની બિનકાર્યક્ષમતા, પાવર ટ્રાન્સમિશન લાઇનોના સ્થળાંતર જેવાં કારણોસર હજી સુધી આ લાઇન કાર્યરત થઈ નથી.

કયા-કયા વિસ્તારોને જોડશે મેટ્રો 2?

કુલ ૨૩.૬ કિલોમીટરના કૉરિડોર પર ચાલનારી મેટ્રો 2 બે ભાગમાં વહેંચાયેલી છે. દહિસરથી ડી. એન. નગર વચ્ચે મેટ્રો 2A અને ડી. એન. નગરથી મંડાળે સુધી મેટ્રો 2B રૂટ ઈસ્ટર્ન અને વેસ્ટર્ન સબર્બના મહત્ત્વના વિસ્તારોને જોડે છે. મેટ્રો 2Bનો પહેલો ફેઝ શરૂ થયા બાદ ડી. એન. નગરથી ખારમાં સારસ્વતનગર સુધીનો બીજો ફેઝ મે મહિના સુધીમાં ખૂલવાની શક્યતા છે. ત્યાર બાદ મેટ્રો 2Bને મેટ્રો 2A સાથે જોડવામાં આવશે અને દહિસરથી ખાર સુધીના સળંગ માર્ગ પર મુસાફરીનો લાભ મળશે. મેટ્રો 2Bના બીજા તબક્કામાં ESIC નગર, પ્રેમનગર, ઇન્દિરાનગર, નાણાવટી હૉસ્પિટલ, ખીરાનગર અને સારસ્વતનગરનો સમાવેશ થશે જે લિન્ક રોડ અને એસ. વી. રોડના મહત્ત્વના  વિસ્તારોને આવરી લેશે. જોકે બાંદરા-વેસ્ટ, બાંદરા-કુર્લા કૉમ્પ્લેકસ, કુર્લા અને ચેમ્બુરને આવરી લેતા રૂટનું કામ પૂરું થવામાં સમય લાગશે.

mumbai metro mumbai mumbai suburbs mumbai traffic mankhurd