શરમ કર, મુંબઈકર: ફૉરેનર યુવતી સાથે સેલ્ફી પડાવવા માટે ૧૫ મિનિટ સુધી ટપોરીઓએ પીછો કર્યો

28 February, 2026 06:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોરી મૅડમ, પ્લીઝ... કહીને ફૉરેનર યુવતી સાથે સેલ્ફી પડાવવા માટે ૧૫ મિનિટ સુધી ટપોરીઓએ પીછો કર્યો : વાઇરલ વિડિયોની નોંધ લઈને આગ્રીપાડા પોલીસે બે અજાણ્યા યુવકોની શોધ શરૂ કરી

ફૉરેનર યુવતીએ પોસ્ટ કરેલો વિડિયો-ગ્રૅબ.

મુંબઈની મુલાકાતે આવેલી એક વિદેશી યુવતી સાથે સેલ્ફી લેવાના બહાને મુંબઈના બે યુવકોએ ગેરવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. યુવતીએ તેની સાથે થયેલા આ વર્તનનો વિડિયો શૅર કર્યો હતો, જેની નોંધ લઈને આગ્રીપાડા પોલીસે બે અજાણ્યા યુવકો વિરુદ્ધ કેસ નોંધીને તેમની શોધ શરૂ કરી છે. અનેક સોશ્યલ મીડિયા યુઝર્સે ફૉરેનર્સ સાથે થતા આવા વર્તનને વખોડ્યું હતું અને મુંબઈ જેવા શહેરમાં જ્યાં અનેક ફૉરેનર્સ આવતા હોય છે ત્યાં આ રીતે તેમની સલામતી જોખમાય એવું વર્તન કરીને મુંબઈની ઇમેજ બગાડવા બદલ આવા ટપોરીઓની ટીકા કરી હતી.

વાઇરલ વિડિયોમાં શું છે?

મહાલક્ષ્મી વિસ્તારમાંથી પસાર થતી ફૉરેનર યુવતીનો પીછો કરીને એક યુવક તેની સાથે સેલ્ફી પડાવવા માટે કહે છે. યુવતી સ્પષ્ટ ના પાડે છે છતાં યુવક ૧૫ મિનિટ સુધી તેનો પીછો કરે છે અને સેલ્ફી પડાવવા માટે ગોરી મૅડમ, ગોરી મૅડમ કહીને પાછળ પડી જાય છે. એ દરમ્યાન એક બીજો યુવક પણ તેની સાથે જોડાય છે. યુવતી મહાલક્ષ્મી બ્રિજ પર પહોંચે છે ત્યારે પરિસ્થિતિ વણસતાં તે યુવકને ધક્કો મારીને દૂર કરે છે અને પોલીસને બોલાવશે એમ કહીને ચેતવે છે. એ પછી યુવકો ત્યાંથી ભાગે છે.

બે મહિનાથી ભારતમાં, પણ આવો અનુભવ પહેલી વાર

ગુરુવારે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ક્લિપ પોસ્ટ કરીને યુવતી કૅપ્શનમાં લખ્યું હતું કે ભારતમાં બે મહિના ગાળ્યા છે, પણ આવો અનુભવ પહેલી વાર જ થયો. યુવતીએ અનેક વાર ના પાડવા છતાં યુવકોના વિચિત્ર વર્તન માટે કહ્યું હતું કે ‘ના’ એક સંપૂર્ણ વાક્ય છે અને તમારી સલામતી હંમેશાં પ્રથમ આવે છે.

mumbai news mumbai mahalaxmi viral videos social media Crime News mumbai crime news mumbai police