પરીક્ષા આપવા મીરા રોડ જતી થાણેની ગુજરાતી સ્ટુડન્ટ માટે ટ્રૅફિક-પોલીસ બની તારણહાર

30 April, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રૅફિકમાં અટવાઈ તો સ્પેશ્યલ બંદોબસ્ત કરીને પરીક્ષા-સેન્ટર સુધી પહોંચાડી‍

નમ્રતાને ટ્રૅફિક ક્લિયર કરાવનાર ટ્રૅફિક-ઑફિસર

મીરા રોડની પોદાર કૉલેજમાં પરીક્ષા આપવા જઈ રહેલી નમ્રતા ગાંધી ગઈ કાલે બપોરે થાણેના ઘોડબંદર રોડ પર ગાયમુખ ઘાટ નજીક ટ્રૅફિકમાં અટવાઈ ગઈ હતી, જેને પગલે થાણે ટ્રૅફિક વિભાગે સ્પેશ્યલ બંદોબસ્ત કરીને તેને પરીક્ષા-સેન્ટર સુધી પહોંચાડી હતી. ઘોડબંદર રોડ પર ગાયમુખ નજીક રોડના કામને કારણે કલાકોનો ટ્રૅફિક જૅમ છેલ્લા બે દિવસથી છે એ જોતાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) અને થાણે ટ્રૅફિક વિભાગ નાગરિકોને અસુવિધા ન થાય એ માટે પૂરેપૂરી કાળજી લઈ રહ્યાં છે.

ટ્રૅફિકને કારણે કોઈ તકલીફ ન પડે એ માટે અમે ડૉક્ટરની ટીમ અને ઍમ્બ્યુલન્સ બન્ને બાજુએ સ્ટૅન્ડબાય રાખ્યાં છે એમ જણાવતાં કાસારવડવલી ટ્રૅફિક ડિવિઝનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘોડબંદરના હીરાનંદાની એસ્ટેટમાં રહેતી નમ્રતા નામની યુવતી પરીક્ષા આપવા મીરા રોડ જઈ રહી હતી અને તે ગાયમુખ નજીક ટ્રૅફિકમાં અટવાઈ ગઈ છે એવી માહિતી અમને જસ્ટિસ ફૉર ઘોડબંદર રોડના પ્રતિનિધિએ આપી હતી. એના આધારે અમે તાત્કાલિક એક ટીમ તૈયાર કરી હતી જે યુવતીના વાહન સુધી પહોંચી હતી અને તેના વાહનને ટ્રૅફિકમાંથી બહાર કઢાવી ઑપોઝિટ ડિરેક્શનમાંથી ફાઉન્ટન હોટેલ સુધી પહોંચાડ્યું હતું. એ સમયે અમારા વાહન સાથે અમારી એક ટીમ યુવતીના વાહન સાથે રહી હતી જેથી તેને પરીક્ષા-સેન્ટર સુધી સમયસર પહોંચાડી શકાઈ હતી. ઘોડબંદર રોડ પર આવતી વખતે પણ ટ્રૅફિક રહેવાની શક્યતા છે. જો કોઈ વ્યક્તિ કટોકટીના સમયમાં ફસાઈ જાય તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે.’
જો ટ્રૅફિક-પોલીસ અમારી મદદે ન આવી હોત તો મારી દીકરી કોઈ સંજોગોમાં પરીક્ષા-સેન્ટર સુધી ન પહોંચી શકી હોત એવું એમ જણાવતાં નમ્રતાનાં મમ્મી મમતા ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું ટ્રૅફિક-પોલીસ મારી દીકરી પરીક્ષા આપી શકે એ માટે તારણહાર બની છે. નમ્રતા નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ (NIOS)માં બારમા ધોરણનો અભ્યાસ કરી રહી છે. ગઈ કાલે બપોરે તેની અકાઉન્ટની પરીક્ષા મીરા રોડમાં હતી. જોકે ઘોડબંદર રોડ પરના કામને કારણે અમે ટ્રૅફિકમાં ફસાયાં હતાં જેમાં ખૂબ સારી મદદ અમને ટ્રૅફિક-પોલીસ અને જસ્ટિસ ફૉર ઘોડબંદર રોડના પ્રતિનિધિએ કરી હતી.’

mumbai news mumbai mumbai traffic police mumbai traffic thane dadar