02 January, 2026 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવા વર્ષની પૂર્વસંધ્યાએ ઘણા લોકો દારૂ પીને વાહન ચલાવતા હોવાથી અકસ્માતનો ભય રહે છે માટે ટ્રાફિક-પોલીસે આ વખતે સ્પેશ્યલ ચેકિંગ દરમ્યાન દારૂ પીને વાહન ચલાવનારા લોકો સહિત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ૧૩,૭૦૦થી વધુ વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો.
ડ્રન્કન ડ્રાઇવિંગના ૨૧૧ દારૂ પીને વાહન ચલાવનારાઓના કેસ ઉપરાંત વિવિધ ટ્રાફિક ઉલ્લંઘન સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હેલ્મેટ વગર વાહન ચલાવવું, ટ્રાફિક-સિગ્નલ તોડવું, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોન પર વાત કરવી, ખોટી દિશામાં વાહન હંકારવું, વૅલિડ લાઇસન્સ વિના વાહન ચલાવવું, ટ્રિપલ સીટ પર વાહન ચલાવવું, સીટબેલ્ટ ન પહેરવો અને વધુ ઝડપે વાહન ચલાવવું તથા ટ્રાફિકના અન્ય ઉલ્લંઘન જેવા ગુનાઓ માટે કુલ ૧૩,૭૫૨ ઈ-ચલાન ઇશ્યુ કરવામાં આવ્યાં હતાં.
ટ્રાફિક-પોલીસના એક ઑફિસરે કહ્યું હતું કે ‘આ ઇ-ચલાન દ્વારા કુલ ૧,૩૧,૧૪,૮૫૦ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો. મુંબઈ ટ્રાફિક-પોલીસે લોકોને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા, દારૂ પીધા પછી વાહન ચલાવવાનું ટાળવા અને માર્ગ-સલામતીને પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી. મુંબઈના રસ્તાઓ દરેક માટે સુરક્ષિત બનાવવા માટે લોકોનો સહયોગ જરૂરી છે.’