એક અઠવાડિયામાં ૧૭૦ ભારે વાહનો અને ૨૫૦૦ બાઇકર ડિલિવરી-બૉય‍્ઝને દંડ થયો

26 May, 2026 07:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ-અમદાવાદ હાઇવે પર રૉન્ગ સાઇડમાં આવેલી ટ્રકને કારણે થયેલા અકસ્માત પછી ટ્રાફિક-પોલીસે બોલાવ્યો સપાટો

પ્રતીકાત્મક તસવીર

પાલઘર નજીક મુંબઈ-અમદાવાદ હાઇવે પર રૉન્ગ સાઇડમાં ધસી આવેલી એક પિક-અપ ટ્રકને કારણે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા બાદ મુંબઈની ટ્રાફિક-પોલીસ હરકતમાં આવી છે. ટ્રાફિક-પોલીસે શહેરમાં રૉન્ગ સાઇડ ડ્રાઇવિંગ કરનારાઓ અને પીક-અવર્સ દરમ્યાન પ્રતિબંધ હોવા છતાં રસ્તા પર દોડતાં ભારે વાહનો વિરુદ્ધ એક સપ્તાહની સઘન ઝુંબેશ શરૂ કરી છે. એ અંતર્ગત વિવિધ ઑનલાઇન કંપનીઓના ૨૫૦૦થી વધુ ડિલિવરી રાઇડર્સને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ દંડ કરવામાં આવ્યો છે.

ફાસ્ટ ડિલિવરી પહોંચાડવાના ચક્કરમાં બાઇકચાલકો ટ્રાફિક-સિગ્નલ તોડવા અને શૉર્ટકટના ચક્કરમાં રૉન્ગ સાઇડમાં બાઇક ચલાવવા જેવા ગંભીર નિયમોના ભંગ બદલ પકડાયા હતા. મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતો નિવારવા માટે સવારે સાતથી ૧૧ અને સાંજે પાંચથી રાત્રે ૯ વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધિત કલાકો દરમ્યાન મુંબઈના રસ્તાઓ પર દોડતાં ૧૭૦ ભારે વાહનોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનારાં ૩૯ વાહનોને પોલીસે જપ્ત કર્યાં છે.

ટ્રાફિક-પોલીસે સ્પષ્ટ કર્યું છે કે નિર્દોષ નાગરિકોનો જીવ જોખમમાં મૂકનારા આવા ડ્રાઇવરો સામે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે.

પહેલી જાન્યુઆરીથી ૨૩ મે સુધીમાં રૉન્ગ સાઇડ વાહન ચલાવવા બદલ કુલ ૬૩૮૦ બાઇકરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

mumbai news mumbai mumbai traffic police palghar road accident