30 March, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં એક વર્ષમાં ૬૫ લાખ જેટલા લોકોએ ટ્રૅફિકના નિયમોનો ભંગ કર્યો હોવાનું બહાર આવ્યું છે. ટ્રૅફિક પોલીસે મુંબઈમાં ગયા વર્ષે ઈ-ચાલાન દ્વારા ટ્રૅફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને કુલ ૫૨૬ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એમાંથી ફક્ત ૧૫૭ કરોડ રૂપિયાનો જ દંડ વસૂલ થઈ શક્યો છે.
મુંબઈ ટ્રૅફિક પોલીસે ટ્રૅફિકના નિયમોનો ભંગ કરનારાઓ પર શું કાર્યવાહી કરી એવી માહિતી રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ માગી હતી. જાન્યુઆરી ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી કરેલી કાર્યવાહીની માહિતી ટ્રૅફિક પોલીસે આપી હતી. એ પ્રમાણે ટ્રૅફિકમાં અંતરાય ઊભો કરવો, હેલ્મેટ ન પહેરવી, સિગ્નલ તોડવું, નો એન્ટ્રી, વન-વેમાં રૉન્ગ સાઇડ વાહન ચલાવવું, લાઇસન્સ વગર વાહન ચલાવવું, ઝીબ્રા ક્રૉસિંગની આગળ વાહન ઊભું રાખવું, સીટ-બેલ્ટ ન પહેરવો, ટ્રિપલ સીટ, વાહન ચલાવતી વખતે મોબાઇલ પર બોલવું, રૉન્ગ સાઇડ વાહન ચલાવવું, કારણ વગર હૉર્ન મારવું, બેદરકારીપૂર્વક વાહન ચલાવવું એમ કુલ મળીને ૨૬ પ્રકારના નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ટ્રૅફિક પોલીસે જણાવ્યું હતું કે ૧૩ મહિનામાં ૬૫,૧૨,૮૪૬ વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત ૫૨૬ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એમાંથી ફક્ત ૧૫૭ કરોડ રૂપિયાનો જ દંડ વસૂલ થઈ શક્યો છે. ૨૦,૯૯,૩૯૬ વાહનચાલકોએ દંડની રકમ ભરી છે, જ્યારે ૪૪,૧૩,૪૫૦ વાહનચાલકોએ દંડની રકમ ન ભરી હોવાથી દંડની કુલ રકમના ૩૬૯ કરોડ રૂપિયા આવવાના બાકી છે.