કોલાબા લાઈટહાઉસ પાસે ડૂબતી હતી ટગબોટ.. CISFએ કર્યો ક્રૂના નવ સભ્યોનો આબાદ બચાવ

29 May, 2026 01:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Tugboat Rescue: આજે વહેલી સવારે મુંબઈનાકોલાબા લાઈટહાઉસ નજીક એક ટગબોટમાં પાણી ભરાવા લાગ્યા બાદ CISF દ્વારા ક્રૂના નવ સભ્યોના જીવ બચાવવામાં આવ્યા હતા; ટગબોટના તળિયે એક મોટા છિદ્રમાંથી પાણી ઘૂસી ગયું હતું

VTMSએ સવારે લગભગ ૬.૧૦ વાગ્યે CISF કંટ્રોલ રૂમને જાણ કરી કે KPS શિવલી તરીકે ઓળખાતી એક ટગબોટ મુશ્કેલીમાં છે (તસવીર: મિડ-ડે)

શુક્રવારે વહેલી સવારે મુંબઈ (Mumbai)ના દરિયાકાંઠે કોલાબા લાઈટહાઉસ (Colaba Lighthouse) નજીક એક ટગબોટમાં પાણી ભરાવા લાગ્યા બાદ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (Central Industrial Security Force) દ્વારા ચલાવવામાં આવેલા એક ઝડપી બચાવ ઓપરેશનમાં ક્રૂના નવ સભ્યોના જીવ બચાવી લેવાયા છે.

CISF બચાવ ટીમ તાત્કાલિક તૈનાત કરવામાં આવી

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (Vessel Traffic Management System - VTMS) દ્વારા સવારે આશરે ૬:૧૦ વાગ્યે સીઆઈએસએફ કંટ્રોલ રૂમને `કેપીએસ શિવલી` (KPS Shivli) નામની ટગબોટ મુશ્કેલીમાં હોવા અંગે એલર્ટ કરવામાં આવ્યા હતા. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે બોટના તળિયાના ભાગમાં એક મોટું ગાબડું પડી જતાં તેમાંથી વહાણમાં પાણી પ્રવેશવા લાગ્યું હતું, જેના કારણે તેમાં સવાર લોકોની સુરક્ષા (Mumbai Tugboat Rescue) સામે તાત્કાલિક જોખમ ઊભું થયું હતું.

આ એલર્ટ મળતાની સાથે જ સીઆઈએસએફ દ્વારા તાત્કાલિક પોતાની પેટ્રોલિંગ બોટ `સિએરા-૧` (Sierra-1)ને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. બચાવ ટીમ આશરે સવારે ૬:૫૦ વાગ્યે કોલાબા (Colaba) લાઈટહાઉસ નજીક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તરત જ લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

નવ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા

અધિકારીઓએ જણાવ્યું કે સીઆઈએસએફના જવાનો લિતેશ કુમાર અને જયધવ વૈભવે પેટ્રોલિંગ બોટના ક્રૂ સાથે મળીને પડકારજનક પરિસ્થિતિઓમાં આ ઓપરેશન (Mumbai Tugboat Rescue) પાર પાડ્યું હતું અને ક્ષતિગ્રસ્ત વહાણમાંથી તમામ નવ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. ટીમે ક્રૂ સભ્યોનો વ્યક્તિગત સામાન પણ બહાર કાઢવામાં મદદ કરી હતી અને ત્યારબાદ તેમને કિનારે લાવવામાં આવ્યા હતા.

બચાવવામાં આવેલા તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે ગેટવે ઓફ ઈન્ડિયા (Gateway of India) લાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈને પણ ઈજા થઈ હોવાના અહેવાલ નથી, તેમ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે.

ટગબોટમાં શું બન્યું તેની તપાસ ચાલુ

ટગબોટમાં કયા કારણોસર ગાબડું પડ્યું અને પાણી ભરાયું, તેના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યા નથી. વહાણમાં પાણી ભરાવાના કારણોની તપાસ કરવા માટે સત્તાવાળાઓ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવે તેવી સંભાવના છે.

ક્રૂના તમામ નવ સભ્યોને સુરક્ષિત રીતે કિનારે લાવવામાં આવ્યા બાદ, અધિકારીઓએ જણાવ્યું હતું કે ટગબોટની ઘટનાની તપાસ પૂર્ણ થયા પછી આ અંગેની વધુ વિગતો શેર કરવામાં આવશે.

સીઆઈએસએફની ત્વરિત કામગીરીને કારણે મુંબઈના દરિયાકાંઠે સર્જાઈ શકે તેવી એક મોટી દરિયાઈ ઈમરજન્સી ટળી ગઈ છે. આ બચાવ કામગીરીએ શહેરના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો પૈકીના એક એવા આ વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સર્વેલન્સ અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમોની મહત્વપૂર્ણ ભૂમિકા તરફ ધ્યાન ખેંચ્યું છે.

colaba central industrial security force gateway of india mumbai mumbai news accident