18 April, 2026 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર
સાઉથ મુંબઈના ઑરેન્જ ગેટને મરીન ડ્રાઇવ સાથે જોડતા મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના ૭૫૦૦ કરોડ રૂપિયાના મહત્ત્વાકાંક્ષી ભૂગર્ભ ટનલ પ્રોજેક્ટની મુખ્ય ડિઝાઇનમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. MMRDAએ સુધારેલા પ્લાન પ્રમાણે ટનલના એક્ઝિટ પૉઇન્ટને વધુ ઉત્તરમાં, વાનખેડે સ્ટેડિયમ નજીકથી ખસેડીને આગળ પી. એમ. હિન્દુ સ્વિમિંગ બાથ અને બોટ ક્લબ (મફતલાલ સ્વિમિંગ-પૂલ)ની નજીક, ગિરગામ ચોપાટી પાસે ઓપન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મૅનેજમેન્ટ ઑથોરિટીને સુપરત કરવામાં આવ્યો છે, જે એની બેઠકમાં સુધારાની સમીક્ષા કરીને સંભવિત રીતે એને મંજૂરી આપે એવી અપેક્ષા છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ ટનલને લંબાવવાનો નિર્ણય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ભલામણ બાદ લેવામાં આવ્યો હતો. આ પગલાનો હેતુ મરીન ડ્રાઇવ સ્ટ્રેચ પરની ટ્રાફિકની ભીડ અટકાવવાનો છે.