મુંબઈ યુનિવર્સિટી NAAC રેટિંગમાં સર્વોચ્ચ સ્થાને; મેળવ્યો A ++ ગ્રેડ

31 August, 2021 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

NAAC દ્વારા મુંબઈ યુનિવર્સિટીને A ++ દરજ્જો આપવામાં આવ્યો છે.

મુંબઈ યુનિવર્સિટી. ફાઇલ ફોટો

NAAC દ્વારા મુંબઈ યુનિવર્સિટીને A ++ દરજ્જો આપવામાં આવ્યો છે. આ માટે, યુનિવર્સિટીને કુલ 3.65 ગુણ મળ્યા છે. આ દરજ્જો પ્રાપ્ત કરવા માટે, મુંબઈ યુનિવર્સિટીને રાજ્યની અન્ય યુનિવર્સિટીઓની સરખામણીમાં સૌથી વધુ ગુણ મળ્યા છે. નેક દ્વારા આજે અધિકૃત રીતે આ રેન્કિંગ મેળવ્યા બાદ યુનિવર્સિટીના મેનેજમેન્ટ સભ્યો, સેનેટ સભ્યો, અધિકારીઓ અને સ્ટાફમાં આનંદનું વાતાવરણ સર્જાયું છે. અગાઉ 2012માં NAAC મૂલ્યાંકન 3 વર્ષ માટે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુનિવર્સિટીનું NAAC મૂલ્યાંકન વિવિધ કારણોસર અટકી ગયું હતું. હવે આ NAAC મૂલ્યાંકન આગામી છ વર્ષ માટે રહેશે.

મુંબઈ યુનિવર્સિટીએ આ માટે મજબૂત તૈયારીઓ કરી હતી જેથી તેને ફરી એક વખત વૈશ્વિક સ્તરે સન્માન મળે અને NAAC નો આ દરજ્જો મળે. યુનિવર્સિટીનું એકંદર શૈક્ષણિક વાતાવરણ, યુનિવર્સિટીમાં વિકાસ કાર્યો, સંશોધન અને સુવિધાઓ, શૈક્ષણિક વિકાસ અને ઉદ્યોગ, દરિયાઈ વ્યવસાય શિક્ષણ સહિત નવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ, વર્ચ્યુઅલ શિક્ષણ તેમ જ સંશોધનાત્મક પ્રગતિ જેવા તમામ પાસા મુંબઈ યુનિવર્સિટી દ્વારા NAAC  સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

મુંબઈ યુનિવર્સિટીનું NAAC મૂલ્યાંકન 20 એપ્રિલ, 2017ના રોજ થવાનું હતું. જોકે, લોકડાઉનને કારણે છેલ્લા બે વર્ષથી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. સમિતિએ 24 થી 26 ઓગસ્ટ દરમિયાન તેનું નિરીક્ષણ કર્યા બાદ સત્તાવાર જાહેરાત કરી હતી. આ દરજ્જા સાથે, યુનિવર્સિટીના સંશોધન પ્રોજેક્ટ્સ, વિવિધ ગ્રાન્ટ અને ઇન-એઇડ પ્રોજેક્ટ્સ તેમ જ અન્ય યુનિવર્સિટીઓ સાથે શૈક્ષણિક આદાનપ્રદાનના વિકલ્પ ખુલ્લા રહેશે. રાજ્યના ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ઉદય સામંતે પણ મુંબઈ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને NAAC રેટિંગ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

Mumbai news mumbai university Mumbai