શહેરમાં ૨૦ ઑક્ટોબરથી ડિગ્રી કૉલેજ શરૂ કરવી કે નહીં મુંબઈ યુનિવર્સિટી નક્કી કરશે

14 October, 2021 10:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોવિડ વૅક્સિનના બન્ને ડોઝ લીધા હોય એવા વિદ્યાર્થીઓને જ કૉલેજમાં પ્રવેશ અપાશે

મુંબઇ વિદ્યાપીઠ

રાજ્યમાં ૨૦ ઑક્ટોબરથી ડિગ્રી કૉલેજ શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે ગઈ કાલે લીધો હતો. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં ગઈ કાલે મળેલી પ્રધાનમંડળની બેઠકમાં ડિગ્રી કૉલેજ શરૂ કરવા બાબતે ચર્ચા-વિચારણા કરાયા બાદ જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ કૉલેજ અને યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની ગાઇડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી હતી. જે સ્ટુડન્ટ્સે કોવિડ વૅક્સિનના બંને ડોઝ લીધા હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે.
રાજ્યના ઉચ્ચ શિક્ષણપ્રધાન ઉદય સામંતે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ડિગ્રી કૉલેજ ૨૦ ઑક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય પ્રધાનમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. કૉલેજ અને યુનિવર્સિટીમાં જે સ્ટુડન્ટ્સના કોવિડના બંને ડોઝ લેવાયા હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે. કૉલેજો આગેવાની લઈને વૅક્સિનેશન માટે સંબંધિત ઑથોરિટી સાથે ચર્ચા કરીને કૉલેજમાં કૅમ્પ લગાવી શકે છે. જ્યાં કોરોના 
હોઈ શકે, કોરોના ઓછો થયો હોય અથવા કોરોના વધી શકતો હોય એવાં ક્ષેત્રોમાં કમિશનર, મહાનગરપાલિકા અથવા કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સ્થાનિક સ્થિતિ મુજબ નિર્ણય લઈ શકશે.’ 
સ્થાનિક પ્રશાસનની પરવાનગી બાદ કૉલેજ શરૂ કરવી કે નહીં જે તે યુનિવર્સિટીએ નક્કી કરવાનું રહેશે.

Mumbai mumbai news mumbai university