નવા બનેલા વિક્રોલીના બ્રિજ પર ફરી પાણી ન ભરાય એ માટે નવા ઉપાય

23 August, 2025 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BMCની બ્રિજ ડિપાર્ટમેન્ટ ટીમે એને પગલે તપાસ કરતાં જણાયું હતું કે બ્રિજ પરથી પાણી નીકળી શકે એ માટે બનાવેલાં ઇનલેટમાં પ્લાસ્ટિક ભરાઈ ગયું હતું જેને કારણે બ્રિજ પર પાણી ભરાઈ ગયાં હતાં

વિક્રોલીમાં ભારે વરસાદ પડ્યા પછી બ્રિજ પર પાણી ભરાઈ ગયું હતું

મુંબઈમાં સપ્તાહની શરૂઆતમાં પડેલા અતિભારે વરસાદને કારણે નવા બનેલા વિક્રોલી રેલ ઓવર બ્રિજ (ROB) પર પાણી ભરાઈ ગયાં હતાં અને બ્રિજને નુકસાન થયું હતું. જૂન મહિનામાં જ ખૂલેલા આ બ્રિજની હાલત બે જ મહિનામાં આટલી ખરાબ થઈ જવાને કારણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ચકાસણીનો આદેશ આપ્યો હતો.

BMCની બ્રિજ ડિપાર્ટમેન્ટ ટીમે એને પગલે તપાસ કરતાં જણાયું હતું કે બ્રિજ પરથી પાણી નીકળી શકે એ માટે બનાવેલાં ઇનલેટમાં પ્લાસ્ટિક ભરાઈ ગયું હતું જેને કારણે બ્રિજ પર પાણી ભરાઈ ગયાં હતાં. ફરીથી આ પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે બ્રિજના માળખામાં ફેરફાર કર્યા વગર પાછળના ભાગમાં અને અપ્રોચ વૉલમાં વધારાનાં ઇનલેટ મૂકવામાં આવશે તેમ જ સ્લીપ રોડ એટલે કે બ્રિજમાં સાઇડમાં આવેલા રોડ પર ડ્રેનેજ નેટવર્ક ઊભું કરવામાં આવશે.

વેસ્ટમાં LBS રોડ અને ઈસ્ટમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને જોડતા ૬૧૫ મીટરના આ બ્રિજની ડિઝાઇન મુજબ LBS માર્ગ અને વિક્રોલી સ્ટેશન વચ્ચેના ભાગમાં બ્રિજની ઊંચાઈ ઓછી છે. આ એલિવેશન ગૅપને કારણે આ ભાગમાં પાણી ભરાયાં હોવાનું એક સિનિયર અધિકારી જણાવ્યું હતું. 

vikhroli mumbai potholes mumbai rains mumbai mumbai news brihanmumbai municipal corporation