20 February, 2026 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફિલ્મમેકર રોહિત શેટ્ટી અને રણવીર સિંહ પછી વિલે પાર્લેના જ્વેલરને અજાણ્યા ઇન્ટરનૅશનલ નંબર પરથી ફોન આવ્યો હતો અને કૅનેડાથી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગનો સભ્ય હોવાનું જણાવીને ૨૦ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જો ખંડણી ન આપે તો જ્વેલરને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જોકે આ ગૅન્ગને લૉરેન્સ બિશ્નોઈ સાથે કોઈ લેવાદેવા જ નહોતી.
જ્વેલરને ૧૨ ફેબ્રુઆરીએ વૉટ્સઍપ પર પહેલી ધમકી મળી હતી અને એના થોડા દિવસ પછી આવી માગણી કરતા કૉલ્સ પણ આવવા લાગ્યા હતા. ગભરાયેલા જ્વેલરે ૧૬ ફેબ્રુઆરીએ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને આરોપીને પકડવા માટે જાળ બિછાવી અને જ્વેલરે પણ પોલીસના કહેવા મુજબ ૨૦ લાખને બદલે વાટાઘાટો કરીને ખંડણીની રકમ પાંચ લાખ સુધી આપવાની તૈયારી બતાવી.
૧૭ ફેબ્રુઆરીએ ખરી ગેમ શરૂ થઈ. જ્વેલર કુર્લાના લોકમાન્ય તિલક ટર્મિનસની નજીક સ્કૅમરને પૈસા આપવા ગયો ત્યારે પોલીસે સ્કૅમર્સને ઝડપ્યા હતા. પૂછપરછ દરમ્યાન પોલીસને જાણ થઈ હતી કે ચારેય આરોપીઓને બિશ્નોઈ ગૅન્ગ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ ઝારખંડના જામતાડાની એક સાઇબર ફ્રૉડ ગૅન્ગના સભ્યો છે.
પોલીસે જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી કોઈ મેકૅનિક છે તો કોઈ રસોઈયો છે અને કોઈ કાપડની દુકાનમાં કામ કરે છે. આ રીતે બિશ્નોઈ ગૅન્ગના નામે કોઈને પણ ધમકી આપવાનો પ્રયત્ન થઈ શકે છે તેથી પોલીસે આખી ગૅન્ગ સામે કાર્યવાહી કરવા માટે તપાસ શરૂ કરી છે.