પાણીનો માત્ર ૫૦ દિવસ ચાલે એટલો સ્ટૉક બાકી

06 June, 2026 11:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૫ મેથી ૧૦ ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો છે એ છતાં મુંબઈનાં ૭ જળાશયોમાં માત્ર ૧૪ ટકા પુરવઠો ઉપલબ્ધ

પ્રતીકાત્મક તસવીર

BMC દ્વારા ૧૫ મેથી પાણીપુરવઠામાં ૧૦ ટકાનો કાપ મૂકવામાં આવ્યો હોવા છતાં શહેરને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોમાં હવે ૫૦ દિવસથી પણ ઓછો ચાલે એટલો પાણીનો જથ્થો બચ્યો છે.
પાંચમી જૂને ઉપલબ્ધ આંકડા મુજબ આ જળાશયોમાં હાલ ૨,૦૭,૦૮૯ મિલ્યન લીટર પાણીનો સ્ટૉક છે, જે એમની કુલ ક્ષમતાના માત્ર ૧૪ ટકા જ છે. જોકે ગયા વર્ષે આ જ દિવસે સ્ટૉક ૧૧.૭૭ ટકા (૧,૭૦,૩૭૫ મિલ્યન લીટર) હતો, પરંતુ ગયા વર્ષે ૨૬ મે સુધીમાં ચોમાસું બેસી ગયું હતું.

આ વર્ષે હવામાન વિભાગે દેશમાં સરેરાશના ૯૦ ટકા જેટલા ઓછા વરસાદની આગાહી કરી છે. નબળા ચોમાસાની આ ભીતિ વચ્ચે BMCએ ઑગસ્ટ સુધી પાણીપુરવઠો જાળવી રાખવા આગોતરી તૈયારીઓ શરૂ કરી છે. હાલમાં સામાન્ય રીતે અપાતો ૩૯૫૦થી ૪૧૦૦ મિલ્યન લીટર દૈનિક પુરવઠો ઘટાડીને ૩૬૫૦ મિલ્યન લીટર કરવામાં આવ્યો છે.

BMCના અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી સાતથી ૧૦ દિવસમાં વરસાદ પડવાની સંભાવના હોવાથી સ્થિતિ પર ૨૪ કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. મુંબઈને પાણી પૂરું પાડતાં મધ્ય વૈતરણા, અપર વૈતરણા, ભાત્સા, વિહાર, તુલસી, તાનસા અને મોડકસાગરના કૅચમેન્ટ વિસ્તારોમાં હજી સુધી માત્ર તાનસામાં જ ૧૩ મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે ગયા વર્ષે આ સમયે તમામ વિસ્તારોમાં સારો વરસાદ પડી ચૂક્યો હતો. ગયા વર્ષે પાંચમી જૂન સુધીમાં તુલસીમાં ૭૮ મિલીમીટર, ભાત્સામાં ૪૯ મિલીમીટર અને મધ્ય વૈતરણામાં ૩૦ મિલીમીટર વરસાદ પડ્યો હતો.
જોકે BMCએ નાગરિકોને ગભરાવાને બદલે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ કરી છે.

- ઈશાનપ્રિયા એમ. એસ.

થાણે ગ્રામીણમાં પાણીની બૂમ પડી, ટૅન્કર શરૂ કરવામાં આવ્યાં

થાણેના અંતરિયાળ વિસ્તારમાં પાણીની ખેંચ સર્જાતાં લોકોને હાલાકીથી બચાવવા થાણે જિલ્લા પરિષદે ૩૯ ગામ અને ૧૨૭ પાડામાં પાણીનાં ૪૨ ટૅન્કર મોકલીને પાણીની સપ્લાય કરવાનું ચાલુ કર્યું છે. એને કારણે આ ગામના રહેવાસીઓ અને પાડામાં રહેતા ૫૮,૪૪૩ લોકોને પાણી મળી રહેશે. અંબરનાથ, કલ્યાણ અને ભિવંડી તાલુકામાં પાણીની એટલી ખેંચ નથી, પણ મુરબાડ અને શહાપુર તાલુકામાં લોકો પાણીની તંગીનો ભારે સામનો કરી રહ્યા છે. મુરબાડનાં ૬ ગામ અને ૧૦ પાડાના ૫૬૬૬ નાગરિકો માટે ૬ ટૅન્કર શરૂ કરવામાં આવ્યાં છે. શહાપુર તાલુકાના સૌથી વધુ અસરગ્રસ્ત ગામ અને ૧૧૭ પાડાના ૫૨,૭૭૭ રહેવાસીઓ માટે ૩૬ જેટલાં ટૅન્કર મોકલવામાં આવી રહ્યાં છે.  

mumbai news mumbai Water Cut mumbai water levels brihanmumbai municipal corporation monsoon news mumbai monsoon thane