14 October, 2025 08:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સોમવારે થાણેમાં આવેલા પંજરાપુરના 3A પમ્પિંગ-સ્ટેશનમાં ટેક્નિકલ ખામી સર્જાતાં શહેરના મુખ્ય પાણીપુરવઠા નેટવર્કમાં ખામી સર્જાઈ હતી, જેને કારણે મુંબઈ અને થાણેના કેટલાક ભાગોમાં પાણીનું પ્રેશર એકદમ ઘટી ગયું હતું.
ટેક્નિકલ ખામીને દૂર કરવા માટે સમારકામ આખો દિવસ ચાલુ રહ્યું હતું. આ દરમ્યાન સમગ્ર મુંબઈમાં પાણીપુરવઠો ચાલુ રહ્યો હતો, પણ પ્રેશર ખૂબ લો હોવાથી લોકોને મુશ્કેલી પડી હતી. શહેરના મોટા ભાગના વિસ્તારોને પાણી પૂરું પાડતા પંજરાપુર પમ્પિંગ-સ્ટેશન પર ટેક્નિકલ ફૉલ્ટ આવતાં અનેક વિસ્તારોને અસર થઈ હતી.
BMCએ સોશ્યલ મીડિયા દ્વારા મુંબઈગરાઓને પાણીપુરવઠો પૂર્વવત્ ન થાય ત્યાં સુધી પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની વિનંતી કરી હતી. કટોકટીની કોઈ પણ જરૂરિયાતો માટે ટૅન્કર સેવાઓ સ્ટૅન્ડબાય રાખવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.