02 May, 2025 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Mumbai Weather: એક બાજુ જ્યાં દિલ્હી સહિતના ઉત્તરભારતમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે મુંબઈનું હવામાન કેવું રહેશે તે વિષે પણ વાત કરીએ. ભારતીય હવામાન વિભાગ દ્વારા સૂચવાયું છે કે મેના પ્રથમ વીકમાં વાદળછાયું આકાશ રહેશે. આ સાથે જ અમુક વિસ્તારમાં તો વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે મુંબઈમાં વાતાવરણ કેવું છે એ વિષે જાણી લો-
આજે શુક્રવારે મુંબઈમાં ગરમ અને ભેજવાળું એમ મિશ્રિત પ્રકારનું હવામાન અનુભવાયુ. જેમાં મહત્તમ તાપમાન 34.1 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. ભારતીય હવામાન વિભગે તાજેતરના મુંબઈ હવામાન અપડેટ્સમાં માહિતી આપી હતી કે મુંબઈમાં 2 મેના રોજ મુખ્યત્વે આકાશ ચોખ્ખું રહેવાની ધારણા છે. આ સાથે જ તાપમાન સવારે 27 ડિગ્રી સેલ્સિયસથી લઈને દિવસ દરમિયાન 34 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ રહેશે.
આ અઠવાડિયે મુંબઈમાં આકાશ આંશિકરીતે વાદળછાયું (Mumbai Weather) રહેવાનું છે. જેથી આજે ગરમી અને તડકાથી રાહત મળી શકે છે. જો કે, ભેજવાળા તાપમાનથી કોઈ વધારે રાહત થશે એવું પણ નથી. ભારતીય હવામાન વિભાગે આજે તો સામાન્યરીતે વાદળછાયું વાતાવરણની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મુંબઈમાં મહત્તમ તાપમાન 33.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.9 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગ દ્વારા જે આંકડા જારી કરવામાં આવ્યા છે તે અનુસાર જોઈએ તો કોલાબાની વેધશાળામાં મહત્તમ તાપમાન 34.1 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અને મુંબઈ શહેર માટે આગામી ૨૪ કલાક માટે હવામાન કેવું રહેશે તે વિષેના અપડેટમાં જણાવાયું છે કે મોટેભાગે તો આકાશ ચોખ્ખું રહેવાની ધારણા છે. જેમજેમ મે મહિનાનો સમય નજીક આવી રહ્યો છે તેમતેમ પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની અપેક્ષા છે.
આજના મુંબઈ શહેરની હવાની ગુણવત્તાની (Mumbai Weather) વાત કરવામાં આવે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સમીર એપ્લિકેશન દ્વારા શહેરની હવાની ગુણવત્તા સવારે 9:05 વાગ્યે 52ના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સાથે સારી હોવાનું જણાવાયું છે. સમીર એપ ડેશબોર્ડ અનુસાર મુંબઈના ઘણા વિસ્તારોમાં AQI અનુસાર હવાની ગુણવત્તા `સારી` જોવા મળી છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં 66 AQI સાથે હવાની ગુણવત્તા `સારી` નોંધાઈ હતી. ભાયખલા, મલાડ અને કાંદિવલીમાં અનુક્રમે 38, 64 અને 33 AQI સાથે `સારી` હવાની ગુણવત્તા નોંધાઈ હતી.
હવામાન વિભાગ (Mumbai Weather) દ્વારા એવું પણ સૂચવાઈ રહ્યું છે કે મે માસના પહેલા અઠવાડિયામાં મુંબઈમાં વરસાદની સંભાવના છે. 4 મે અને 5 મેના રોજ બપોરે અથવા સાંજે વરસાદ અને ગાજવીજ થવાની શક્યતા છે. જ્યારે, 6ઠી મેના રોજ હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદી માહોલ અને આંશિકરીતે આકાશ વાદળછાયું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના હવામાન અહેવાલ અનુસાર 3 મેના રોજ બપોર અથવા સાંજ સુધીમાં મુંબઈ શહેરમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. શનિવારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસથી 33 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે. આવતીકાલે સૂર્યોદય સવારે 06:10 વાગ્યે થવાની ધારણા છે.