27 October, 2025 08:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નવી મુંબઈમાં વરસાદમાં બાઇકરને છત્રીનું કવચ આપતી પાછળ બેઠેલી વ્યક્તિ.
આ વખતે પહેલેથી જ આગાહી હતી કે નવરાત્રિ અને દિવાળી સુધી વરસાદ રહેશે, પણ હવે તો લાભપાંચમ પણ ગઈ કાલે પૂરી થઈ ગઈ હોવા છતાં વરસાદ જવાનું નામ જ નથી લઈ રહ્યો. આજે પણ મુંબઈ, થાણે, પાલઘર, રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. સત્તાવાર રીતે તો મૉન્સૂને વિદાય લઈ લીધી છે, પણ હાલ અરબી સમુદ્રમાં હળવા દબાણનો પટ્ટો સર્જાયો હોવાથી મુંબઈ સહિત અન્ય જિલ્લાઓમાં ગુરુવાર સુધી વરસાદ રહેશે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે.
વળી આ વરસાદ વીજળીના કડાકા-ભડાકા સાથે પડશે અને એ વખતે ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એમ પણ જણાવવામાં આવ્યું છે. માછીમારોને એથી હાલ પાંચ દિવસ દરિયો ન ખેડવાનું સૂચન કરવામાં આવ્યું છે. દરિયો તોફાની રહેશે અને પવનની ઝડપ દરિયામાં ૬૫ કિલોમીટર પ્રતિ કલાક પહોંચી શકે એવી શક્યતાઓ દર્શાવાઈ છે.