28 September, 2026 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સન્ડે! નો ફન ડે (તસવીર : આશિષ રાજે)
મુંબઈમાં હાલ વરસાદનું જોર ઓછું થઈ ગયું છે અને એમાં પણ એલ નિન્યોની અસર અને અન્ય ક્લાઇમેટિક ચેન્જિસને કારણે મુંબઈગરા બહુ જ ઉકળાટ અને બફારાનો સામનો કરી રહ્યા છે. સપ્ટેમ્બરમાં ખાસ વરસાદ ન વરસતાં ટેમ્પરેચરમાં વધારો થયો છે. એમાં વળી વાદળછાયું વાતવરણ રહેતું હોવાથી બફારા અને ઉકળાટને કારણે મુંબઈગરા પરસેવાને કારણે રેબઝેબ થઈ રહ્યા છે.
મુંબઈમાં બફારો વધવાનાં કારણો
• જૂન અને ઑગસ્ટ મહિનામાં ઍવરેજ કરતાં ઓછો વરસાદ પડતાં અને એમાં પણ જોરદાર તડકો પડતાં હ્યુમિડિટીમાં વધારો જોવા મળ્યો છે.
• એલ નિન્યોને કારણે આ વર્ષે મૉન્સૂનનું ટાઇમટેબલ ખોરવાઈ ગયું છે અને એથી સપ્ટેમ્બરના આ છેલ્લા પખવાડિયામાં ટેમ્પરેચરમાં વધારો થયો છે.
• ક્લાઇમેટિક ચેન્જિસને કારણે દિવસના સમયના ટેમ્પરેચરમાં તો ફેરફાર થયો જ છે, સાથે રાતના મિનિમમ ટેમ્પરેચરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે એટલે રાતના સમયે પણ બફારો અને ઉકળાટ વધુ લાગે છે.
• સમુદ્ર પરથી ફૂંકાતા ઠંડા પવનો પણ હાલ મોડેથી પહોંચી રહ્યા હોવાથી મુંબઈમાં બપોરે જે મૅક્સિમમ તાપમાન હોય છે એમાં ત્રણથી ૪ ડિગ્રીનો વધારો જોવા મળે છે.
હવામાન ખાતા તરફથી મુંબઈ અને થાણે માટે અવારનવાર યલો અલર્ટ જાહેર કરવામાં આવે છે. સાંતાક્રુઝ અને કોલાબામાં મૅક્સિમમ ટેમ્પરેચર ૩૪થી ૩૭ ડિગ્રી નોંધાઈ રહ્યું હોવાથી અત્યારે જ ઑક્ટોબર હીટની અસર દેખાઈ રહી છે. હવામાન ખાતાએ હવે પાછોતરો વરસાદ શરૂ થવાનો હોવાથી તાપના ચટકા અને બફારાની અસર હજી થોડા દિવસ ચાલુ રહેશે એમ જણાવ્યું હતું.
ગઈ કાલે રવિવારની રજામાં ઘણા મુંબઈગરા મરીન ડ્રાઇવ પર લટાર મારવા નીકળ્યા હતા. જોકે ગઈ કાલે પવન પણ નહોતો અને ગરમી પણ પુષ્કળ હતી. ટેમ્પરેચર ૨૮થી ૩૧ ડિગ્રી હતું, પણ જાણે ૩૩ ડિગ્રી હોય એવો અનુભવ લોકોને થઈ રહ્યો હતો. તડકો જાણે શરીરસોંસરવો નીકળી જતો હોય એવી અનુભૂતિ થતી હતી અને બફારાને કારણે સહેલાણીઓ પરસેવે રેબઝેબ જોવા મળ્યા હતા.
૨૮થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનારી રાષ્ટ્રીય બૅન્કોની ૩ દિવસની દેશવ્યાપી હડતાળ પહેલાં ગઈ કાલે રવિવારે બૅન્કો ખુલ્લી રહી હતી. સામાન્ય રીતે રવિવારે બૅન્કો બંધ રહેતી હોય છે, પણ આ રવિવારે બૅન્કો ચાલુ રહેતાં ગ્રાહકોએ જાહેર ક્ષેત્રની અને પ્રાદેશિક ગ્રામીણ બૅન્કોની શાખાઓની મુલાકાત લેવાનો લાભ લીધો હતો. જોકે સામાન્ય દિવસો કરતાં ખૂબ ઓછાં બૅન્ક-ટ્રાન્ઝૅક્શન્સ નોંધાયાં હતાં. તસવીર : આશિષ રાજે