ગણપતિની સાથે મુંબઈમાં થશે વરસાદનું ફરી આગમન, પાંચ દિવસ માટે યલો એલર્ટ

27 August, 2025 06:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Weather Updates: આગામી પાંચ દિવસ મુંબઈ અને ઉપનગરમાં ભારે વરસાદની શક્યતા; હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું; અનેક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી

મુંબઈકર્સને ફરી છત્રી લઈને નીકળવાનો વારો આવશે (તસવીરઃ સતેજ શિંદે)

ગત અઠવાડિયાની શરુઆતમાં મુંબઈ (Mumbai)માં મુશળધાર વરસાદે મુશ્કેલીઓ વધાર્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. જોકે, મુંબઈમાં વરસાદ કમબૅકની ફુલ તૈયારીમાં છે. મંગળવારે મુંબઈમાં વાદળછાયું આકાશ અને છૂટાછવાયો વરસાદ જોવા મળ્યો છે. ત્યારે ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department - IMD)એ આજ ​​માટે યલો એલર્ટ જારી કર્યું છે, જેમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમજ આગામી પાંચ દિવસ (Mumbai Weather Updates) માટે મુંબઈમાં ભારેથી હળવા વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે શહેરમાં છૂટછવાયો વરસાદ અને વાદળછાયું વાતાવારણ છે. ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી પાંચ દિવસ સુધી મુંબઈ અને ઉપનગરમાં યલો એલર્ટ (Yellow alert in Mumbai) જાહેર કર્યું છે. IMD મુજબ, આજે ૨૬ ઓગસ્ટે શહેરના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટછવાયા વરસાદની આગાહી છે. પછી ૨૭ ઓગસ્ટે મુંબઈના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. તો ૨૮ ઓગસ્ટે મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે ૨૯ ઓગસ્ટે છૂટાછવાયા વિસ્તારોમાં ફરી ભારે વરસાદ પડી શકે છે.

આ અસર ફક્ત મુંબઈ પૂરતી મર્યાદિત નથી. થાણે (Thane) અને નવી મુંબઈ (Navi Mumbai)ને પણ યલો એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. થાણેમાં, IMDએ પર્વતીય અને ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે, જેના કારણે ભૂસ્ખલન અને પાણી ભરાવાની શક્યતા વધી છે. બીજી તરફ, નવી મુંબઈમાં ડ્રેનેજની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, ખાસ કરીને ખાડીઓની નજીકના વિસ્તારોમાં.

આઇએમડીએ વિસ્તૃત આગાહીમાં મુંબઈ અને થાણેની સાથે પાલઘર (Palghar), રાયગઢ (Raigad) અને રત્નાગિરી (Ratnagiri)ને પણ યલો એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે સમગ્ર કોંકણ પટ્ટામાં ઓછામાં ઓછા આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના છે.

દરમિયાન અધિકારીઓ મહાનગર ક્ષેત્રમાં પૂર અને ટ્રાફિકની ગતિવિધિઓનું સંચાલન કરવા માટે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. અધિકારીઓએ રહેવાસીઓને ખાસ કરીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં સાવધાની રાખવા વિનંતી કરી છે. ચોમાસાએ પીછેહઠના કોઈ સંકેતો દેખાતા નથી, તેથી નાગરિકોને તેમની મુસાફરીનું આયોજન કાળજીપૂર્વક કરવાની સલાહ આપવામાં આવી છે.

નોંધનીય છે કે, આ વર્ષે અવિરત રહેલ ચોમાસાએ મુંબઈકરોના રોજિંદા જીવનમાં ખલેલ પહોંચાડી છે. ૧૫ ઓગસ્ટથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારોમાં જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. ગટરો છલકાઈ ગઈ હતી, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘણા નીચાણવાળા વિસ્તારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે સતત વરસાદના ભારણને કારણે વ્યસ્ત વ્યાપારી વિસ્તારો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરની જીવનરેખા ગણાતી મુંબઈની લોકલ ટ્રેન (Mumbai Local Train) સેવાઓમાં પણ થોડો વિલંબ થયો. જોકે છેલ્લા ચાર-પાંચ દિવસથી છૂટાછવાયો વરસાદ અને વાદળછાયું આકાશ સંકેત આપે છે કે પરિસ્થિતિ ઝડપથી સુધરે તેવી શક્યતા નથી.

mumbai rains mumbai monsoon monsoon news mumbai weather Weather Update indian meteorological department mumbai mumbai news thane navi mumbai palghar ratnagiri konkan raigad