મલાડનું બિલ્ડિંગ તૂટવાના બનાવ માટે કોણ જવાબદાર?

13 June, 2021 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ અને આવા અનેક સવાલો પૂછીને બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસોએ ભૂતપૂર્વ જસ્ટિસ જે. પી. દેવધરની અધ્યક્ષતામાં તપાસ કમિટીની નિમણૂક કરી

મલાડના માલવણી વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી

મલાડના માલવણી વિસ્તારમાં બિલ્ડિંગ તૂટી પડવાથી ૧૨ લોકોનાં મૃત્યુ થવાની ઘટનાની તપાસ કરવા માટે બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે જસ્ટિસ જે. પી. દેવધરની અધ્યક્ષતામાં તપાસ કમિટી બનાવી હતી. કોર્ટે ૨૪ જૂન સુધીમાં તપાસનો રિપોર્ટ રજૂ કરવાનું કહ્યું છે.

બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ જી. એસ. કુલકર્ણીએ મલાડની આ ઘટનાની તપાસ કરવાનો પહેલાં આદેશ આપ્યો હતો. સાથે આ તપાસ માટે ભૂતપૂર્વ જસ્ટિસ જે. પી. દેવધરની ઇન્ક્વાયરી કમિશનર તરીકે નિયુક્તિ કરી હતી. 

આ બનાવ માટે કોણ જવાબદાર છે, બિલ્ડિંગનું બાંધકામ કરતી વખતે મહાનગરપાલિકાના વિભાગોમાંથી પરવાનગી લેવાઈ હતી કે કેમ તેમ જ મહાનગરપાલિકાના સંબંધિત વિભાગ દ્વારા આ ઇમારતને પહેલાં કોઈ નોટિસ આપી હતી કે કેમ એની તપાસ કરવામાં આવશે. આ તપાસનો પ્રાથમિક રિપોર્ટ ૨૪ જૂન સુધીમાં સબમિટ કરવાનો હાઈ કોર્ટે આદેશ આપ્યો હતો.

આ મામલાની સુનાવણી વખતે જસ્ટિસોએ કહ્યું હતું કે ‘આ ખૂબ જ પીડાદાયક ઘટના છે, જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. માલવણી મુંબઈ મહાનગરપાલિકાના જે વૉર્ડમાં આવે છે એના ઑફિસરો આ બનાવ માટે જવાબદાર ગણાવા જોઈએ. આ વર્ષે ૧૫ મેથી ૧૦ જૂન સુધી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ઇમારત તૂટી પડવાની ચાર ઘટના બની છે, જેમાં ૨૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. શું બની રહ્યું છે? આવી રીતે હજી કેટલા લોકોના જીવ જશે? આ કેવા પ્રકારની ઇમારતો છે? શું એ જોખમી કે ગેરકાયદે હોવાની જાણ હોવા છતાં તોડી નહોતી પડાઈ કે એની માહિતી જ નહોતી?’

ખંડપીઠે મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ પર તૂટી પડતાં કહ્યું હતું કે ‘તમે (મહાનગરપાલિકાના અધિકારીઓ) લોકોના જીવ સાથે રમત ન કરી શકો. આ ઘટનાઓ માટે સંબંધિત વૉર્ડના અધિકારીઓને જવાબદાર ગણવા જોઈએ. ચોમાસા પહેલાંના વરસાદના પહેલા દિવસે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ બીજું કંઈ નહીં અવ્યવસ્થા છે. તમને અહેસાસ થવો જોઈએ કે બાળકો સહિત લોકોએ જીવ ગુમાવ્યાનું અમને કેટલું દુ:ખ થઈ રહ્યું છે. નગરસેવકોને આવી ઘટનાથી પીડા થવી જોઈએ.’

mumbai mumbai news malad