✕

૨૦૪૧ સુધીમાં મુંબઈને ૫૭ ટકા વધુ પાણીની જરૂર પડશે

13 October, 2026 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈની પાણીકાપની સમસ્યાનો ઉકેલ લાવવા માટે લાંબા ગાળાની યોજનાઓ

આ વર્ષે પાણી સાચવીને વાપરવાની અપીલ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મુંબઈગરાને કરી છે

મુંબઈગરા પાણી સાચવીને વાપરજો

નબળા ચોમાસાને કારણે મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીપુરવઠો પૂરતો જમા થયો નથી. એથી આ વર્ષે પાણી સાચવીને વાપરવાની અપીલ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મુંબઈગરાને કરી છે. રહેણાક વિસ્તારોમાં ૧૦ ટકા પાણીકાપ અને ઔદ્યોગિક અને વ્યાવસાયિક સંસ્થાઓ તેમ જ સ્પોર્ટ્સ ક્લબને આપવામાં આવતા પાણીના પુરવઠામાં ૨૦ ટકાનો કાપ યથાવત રહેશે. એથી પાણી બચાવવા, પાણીના લીકેજ અને બગાડને અટકાવવા તથા જરૂર મુજબ જ પાણી વાપરવા માટેની અપીલ કરતી પોસ્ટ BMCએ સોશ્યલ મીડિયા પર કરી હતી. 

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના તાજેતરમાં પ્રકાશિત થયેલા એન્વાયર્નમેન્ટ સ્ટેટસ રિપોર્ટ ૨૦૨૫-’૨૬ મુજબ ૨૦૪૧ સુધીમાં શહેરની દૈનિક પાણીની માગણી વધીને ૬૪૨૪ મિલ્યન લીટર પર ડે (MLD) થવાનો અંદાજ છે, જે હાલના ૪૧૦૦ MLDના પુરવઠા કરતાં ૫૭ ટકા વધુ છે. BMCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘માગણી હાલમાં જ લગભગ ૪૬૦૦ MLD છે. એને કારણે એવી અછત ઊભી થઈ છે જેને વર્તમાન સ્રોતો દ્વારા પૂરી કરી શકાતી નથી.’
હાઇડ્રોલિક એન્જિનિયરિંગ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘શહેરના પાણીપુરવઠામાં વધારો કરવા માટે અનેક પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. મુંબઈની વસ્તી સતત વધી રહી છે અને પરિવહન તથા વિતરણ દરમ્યાન થતા લૉસને ગણતરીમાં લેતાં ૨૦૪૧ સુધીમાં દૈનિક માગણી ૬૪૨૪ MLD સુધી પહોંચવાનો અંદાજ છે.’

મુખ્ય ૬ પ્રોજેક્ટ્સ ૩૩૦૩ MLD પાણી પૂરું પાડશે
ગારગાઈ, પિંજાળ અને આંતરરાજ્ય દમણગંગા-પિંજાળ પ્રોજેક્ટ સૂચિત વધારાના ૩૩૦૬ MLD પુરવઠાના ૨૮૯૧ MLD એટલે કે ૮૮ ટકા હિસ્સો ધરાવે છે.
૪૪૦ MLD પાણી પૂરું પાડવાની અપેક્ષા ધરાવતો ગારગાઈ પ્રોજેક્ટ હાલમાં પ્રગતિ હેઠળ છે અને ૨૦૨૯ સુધીમાં એ પૂર્ણ થવાનું લક્ષ્ય છે. ૮૬૫ MLD પુરવઠો પૂરો પાડવા માટે આયોજિત પીંજાળ પ્રોજેક્ટ હજી આયોજનના તબક્કે છે, જ્યારે ૧૫૮૬ MLDનું યોગદાન આપવાની અપેક્ષા ધરાવતો દમણગંગા-પિંજાળ પ્રોજેક્ટ હજી માત્ર કાગળ પર જ છે. 
BMCએ મનોરી અને વર્સોવા ખાતે ૨૦૦ MLDની ક્ષમતા ધરાવતા ડીસૅલિનેશન પ્લાન્ટ્સ (દરિયાના પાણીને મીઠા પાણીમાં ફેરવતા પ્લાન્ટ) અને કોલાબા ખાતે ૧૨ MLDનો અદ્યતન ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. એમાંથી મનોરી ડીસૅલિનેશન પ્લાન્ટ માટેનું પ્રાથમિક કાર્ય શરૂ થઈ ગયું છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation Water Cut mumbai water levels