મુંબઈમાં જન્મેલો-ઊછરેલો-ભણેલો યુવાન બન્યો ગુજરાતનો UPSC ટૉપર

14 March, 2026 09:24 AM IST  |  Mumbai | Varsha Chitaliya

દેશની સૌથી અઘરી પરીક્ષામાં ગુજરાતમાં ફર્સ્ટ રૅન્ક અને ભારતભરમાં ૧૯મો ક્રમાંક મેળવનાર દિશાંત નિસર કચ્છ-વાગડનો પહેલો IAS ઑફિસર બન્યો છે. સખત પરિશ્રમ અને ૪ પ્રયાસ બાદ તેણે આ સિદ્ધિ મેળવી છે. મિડ-ડે સાથેની વાતચીતમાં આ યુવાને કરી તેની જર્નીની રસપ્રદ વાતો

મમ્મી-પપ્પા હર્ષા અમૃતલાલ નિસર સાથે દિશાંત

૬ માર્ચે જાહેર થયેલાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષાનાં પરિણામોએ ગુજરાતી અને કચ્છ-વાગડ સમાજને ગૌરવ અપાવ્યું. મુંબઈમાં જન્મેલો, ઊછરેલો અને ભણેલો તથા હાલ કચ્છના ભચાઉમાં રહેતો ૨૭ વર્ષનો દિશાંત નિસર ગુજરાતનો UPSC ટૉપર બન્યો છે અને ઑલ ઇન્ડિયા લેવલ પર તેનો ૧૯મો ક્રમાંક છે. શિસ્તબદ્ધ તૈયારી, અથાગ પરિશ્રમ, દૃઢ નિશ્ચય અને ૪ પ્રયાસ પછી તેણે આ સિદ્ધિ મેળવી છે. ટોચના ૧૦૦ ક્રમાંકમાં સ્થાન મેળવનાર ગુજરાત રાજ્યનો તે એકમાત્ર ઉમેદવાર છે. સામાન્ય રીતે એન્જિનિયરિંગ અથવા ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ યુવાનો UPSCની પરીક્ષા આપતા હોય છે. દિશાંતની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અલગ રહી છે એટલે તેની આ સફળતાનું મહત્ત્વ વધી જાય. ‘મિડ-ડે’ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં ઇન્ડિયન ઍડ્‍મિનિસ્ટ્રેટિવ સર્વિસિસ (IAS) ઑફિસર બની ગયેલા આ યુવાને દિલ ખોલીને વાત કરી એની જર્નીની.

૪ પ્રયાસ પછી ટૉપર

જનરલ કૅટેગરીના ઉમેદવારો ૬ વખત UPSCની પરીક્ષા આપી શકે. દિશાંતે ચોથા પ્રયાસમાં પરીક્ષા પાસ કરી. ૨૦૨૧માં તેણે UPSCની પરીક્ષા આપવાનો વિચાર કર્યો અને ૨૦૨૨માં પહેલો પ્રયાસ કર્યો જેમાં તે ફેલ થઈ ગયો. ૨૦૨૩માં ઇન્ટરવ્યુ-સ્ટેજ પર પહોંચ્યો પણ ઓછા માર્ક્સને કારણે અંતિમ યાદીમાં સ્થાન ન મળ્યું. ૨૦૨૪માં ઇન્ટરવ્યુમાં સારું પ્રદર્શન કર્યું, પણ વૈકલ્પિક સ્કોર ઘટી ગયો. જોકે પરીક્ષા પાસ કરી અને ભારતીય રેલવે મૅનેજમેન્ટ સર્વિસ (IRMS)માં જોડાયો. ત્યાર બાદ એક વર્ષની રજા લઈને ફરી પ્રયાસ કર્યો. UPSCની ૨૦૨૫ની પરીક્ષાના આ વર્ષે છઠ્ઠી માર્ચે જાહેર થયેલા પરિણામમાં તેને ઝળહળતી સફળતા મળી. ગુજરાતમાં ફર્સ્ટ રૅન્ક અને ઑલ ઇન્ડિયામાં ૧૯મો રૅન્ક આવ્યો.

માસ મીડિયાથી સિવિલ સર્વિસિસ

મારું શૈક્ષણિક બૅકગ્રાઉન્ડ અલગ છે એમ જણાવતાં દિશાંત કહે છે, ‘સ્કૂલ અને કૉલેજનો અભ્યાસ મુંબઈમાં કર્યો. મારા પપ્પા અમૃતલાલ નિસર લેખક છે અને ‘સુલેહ’ નામનું પ્રાદેશિક ગુજરાતી મૅગેઝિન ચલાવે છે. પારિવારિક વાતાવરણ અને પપ્પાના પ્રભાવથી મને સર્જનાત્મક વિષયોમાં રસ પડ્યો. ૨૦૧૯માં મલાડની નગીનદાસ ખાંડવાલા કૉલેજમાંથી માસ મીડિયામાં ગ્રૅજ્યુએશન કર્યું. આ દરમ્યાન મને ખેતીવાડીમાં પણ રસ પડ્યો. ભારતનાં વિવિધ શહેરોમાં ફરીને ઑર્ગેનિક ફાર્મિંગ, ખાતર, કમ્પોસ્ટ અને ખેતીમાં નવી ટેક્નૉલૉજી કઈ રીતે ઉપયોગી બની શકે એની માહિતી અને તાલીમ લીધી. મૂળ વતન ભચાઉમાં પચીસ એકર જમીનમાં ખેતી કરવા મુંબઈ છોડી દીધું. ગ્રામીણ એક્સપોઝરથી મારા જીવનમાં વળાંક આવ્યો. ખેતીવાડીના અનુભવે ગ્રામીણ ભારતની વાસ્તવિકતાઓનો પરિચય કરાવ્યો અને જાહેર સેવા વિશે વિચારવા માટે પ્રેરિત કર્યો. મુંબઈમાં શહેરી જીવન જોયું છે તો ગામડાંઓ પણ ખૂંદ્યાં છે. ગ્રામીણ વિસ્તારમાં સુવિધાઓનો અભાવ છે. સરકારી તંત્રમાં ઉચ્ચ સ્તરમાં અધિકારીઓના હાથમાં સત્તા હોય. સરકારી નીતિઓના અમલીકરણમાં IAS અધિકારી સીધી રીતે જોડાયેલા હોય છે. ખરેખર કંઈક નક્કર કરવું હોય તો આ ક્ષેત્રમાં જવું પડશે એવો વિચાર આવ્યો. ભણવામાં હોશિયાર હતો એટલે પેરન્ટ્સે પણ પ્રોત્સાહિત કર્યો. ઑનલાઇન લેક્ચર થકી તૈયારી કરી. ૨૦૨૨માં દિલ્હી ગયો. UPSCની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે દિલ્હીમાં સારા ક્લાસિસ અને લાઇબ્રેરી છે. UPSCની તૈયારી સાથે ગુજરાત રાજ્યની કલેક્ટર બનવાની પરીક્ષા ​ક્લિયર કરી લીધી. પહેલા પ્રયાસમાં UPSCમાં સફળતા ન મળતાં પાછો કચ્છ આવી ગયો.’

હાર સ્વીકારીને દિશાંત ઘરે પાછો આવી ગયો, પણ વારંવાર વિચાર આવતો કે શું UPSCની પરીક્ષા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM)ના ઉમેદવારો જ પાર કરી શકે? હું સામાન્ય ગ્રૅજ્યુએટ છું આથી નિષ્ફળ ગયો? પરીક્ષા સરળ નથી એ સમજી તેણે વ્યૂહરચના બદલી. મુખ્ય પરીક્ષા માટે ઉત્તર-લેખન પર ખૂબ આધાર રાખ્યો. મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો. આકૃતિઓ અને ફ્લોચાર્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજનન્સ (AI)નાં ટૂલ્સનો પણ ઉપયોગ કર્યો. બીજા પ્રયાસમાં ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યો પણ ૧૫ માર્ક્સ ઓછા પડ્યા. ૨૦૨૪માં ફાઇનલમાં ૭૭મો ક્રમાંક આવ્યો અને IRMSમાં સર્વિસ મળી. સર્વિસનો દાયરો રેલવે સુધી સીમિત નહોતો રાખવો એટલે તેણે એક વર્ષની રજા લઈને ચોથો પ્રયાસ કર્યો. તેની મહેનત અને જાહેર સેવાના ક્ષેત્રમાં કામ કરવાની લગનીએ જ્વલંત સફળતા અપાવી.

IAS અધિકારી તરીકે વિઝન

વાગડ વીસા ઓસવાળ જૈન સમાજના દિશાંતને નાગરિકોની માળખાગત સુવિધાઓમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું છે. ખાસ કરીને એવાં ક્ષેત્રોમાં જે રોજિંદા જીવનને સીધી અસર કરે છે. તેણે કહ્યું, ‘ઑગસ્ટ મહિનામાં મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નૅશનલ ઍકૅડેમી ઑફ ઍડ્‍મિનિસ્ટ્રેશન ખાતે બે વર્ષની ટ્રેઇનિંગ શરૂ થશે જેમાં IAS અધિકારીને ભારતનો ખૂણેખૂણો બતાવવામાં આવે છે, જેથી પોસ્ટિંગ દરમ્યાન તે પોતાનું શ્રેષ્ઠ આપી શકે. આ ટ્રેઇનિંગ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાની શ્રેષ્ઠ તાલીમોમાંથી એક છે. જાહેર સેવામાં મારી ભૂમિકાને પૂરો ન્યાય આપવાનો પ્રયાસ કરીશ.’

UPSC Education kutchi community jain community gujarati community news gujarat mumbai mumbai news Varsha Chitaliya