03 November, 2025 03:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ડિજિટલ અરેસ્ટના ૧૨૮ બનાવમાં મુંબઈગરાઓએ ૧૦૧ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આવા ડિજિટલ અરેસ્ટ સહિત સાઇબર ફ્રૉડના કિસ્સા સતત વધી રહ્યા હોવાથી મુંબઈ પોલીસે સિનિયર સિટિઝનોને ડિજિટલ અરેસ્ટ જેવા ફ્રૉડથી બચાવવા માટે એક વ્યાપક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.
આ અભિયાનમાં ઘરે-ઘરે મુલાકાતો લઈને, રૂબરૂ વાતચીત દ્વારા મોટી ઉંમરના નાગરિકોને સાઇબર ફ્રૉડ વિશે માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત અંગ્રેજી અને મરાઠી ભાષામાં છપાયેલાં બ્રોશર્સ પણ આપવામાં આવશે. આ બ્રોશર્સમાં છેતરપિંડી કરતા લોકોની કાર્યપદ્ધતિ સમજાવવામાં આવી છે અને સેફ્ટી ટિપ્સ પણ આપવામાં આવી છે.
આ અભિયાન હેઠળ પાંચ સાઇબર પોલીસ-સ્ટેશનના સિનિયર ઑફિસર્સ સહિત લગભગ ૧૦૦ જેટલા પોલીસ-કર્મચારીઓએ અત્યાર સુધીમાં ૮૪૭ વરિષ્ઠ નાગરિકોની મુલાકાત લીધી છે.
સાવધ રહો, સુરક્ષિત રહો
સિનિયર સિટિઝનો સાથેની વાતચીત દરમ્યાન પોલીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ કાયદો ડિજિટલ અરેસ્ટને મંજૂરી આપતો નથી અને કોઈ સરકારી એજન્સી વિડિયોકૉલ જેવા માધ્યમથી નાગરિકો પાસેથી પૈસાની માગણી કરતી નથી. વૃદ્ધોને કોઈ પણ શંકાસ્પદ કૉલ મળે તો તરત જ સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન 1930નો સંપર્ક કરવો જોઈએ.